: મહા : ૨૪૯૬ : ૭ :
સ્વરૂપ છે તેને અજ્ઞાની અનુભવતો નથી. આ એકત્વસ્વરૂપ સમજવું તે જ પરમ હિતરૂપ
છે. પુણ્ય અને તેનાં ફળ એ કાંઈ અપૂર્વ વસ્તુ નથી, એ તો અનંતવાર જીવ અનુભવી
ચૂક્યો છે. પણ તેનાથી પાર ચૈતન્યના નિર્વિકલ્પ આનંદના અનુભવરૂપ એકત્વની પ્રાપ્તિ
તે અપૂર્વ છે, પૂર્વ કદી તે અનુભવમાં આવ્યું નથી, તેથી તે અપૂર્વ છે; તે એકત્વપણામાં
જ જીવની શોભા છે. એવા એકત્વના અનુભવથી જ મોક્ષ થાય છે. માટે આચાર્યદેવ કહે
છે કે મારા આત્માના નિજવૈભવથી હું આ સમયસારમાં એકત્વ–વિભક્ત શુદ્ધ આત્માનું
સ્વરૂપ બતાવું છું, તેને હે શ્રોતાજનો! તમે તમારા પોતાના સ્વાનુભવથી પ્રમાણ કરજો.
* જ્ઞાન અને રાગ ભિન્ન હોવાથી
ભિન્નતાનો અનુભવ સુગમ છે *
જીવનું સ્વરૂપ ચિદ્રૂપ છે, રાગથી ભિન્ન છે.
રાગથી ભિન્ન છે તેથી તેવો અનુભવ કરવો તે સુગમ છે.
પોતાનું સ્વરૂપ આવું ભિન્ન હોવા છતાં, આશ્ચર્ય છે કે
જીવ તેને રાગ સાથે એકમેકપણે અનુભવી રહ્યો છે.
શુદ્ધતાનો અનુભવ તો પોતાના સ્વભાવની ચીજ છે
તેથી તે સહજ છે–સુગમ છે. પણ ભ્રમથી અશુદ્ધ
પરિણમનપણે જ જીવ પોતાને અનુભવે છે. તે અનુભવ
સહજ નથી, સ્વભાવનો નથી પણ દ્રષ્ટિદોષથી તેવું
અશુદ્ધ સ્વરૂપ જ દેખે છે ને એ જ વખતે શુદ્ધસ્વરૂપ
વિદ્યમાન હોવા છતાં તેને દેખતો નથી. શુદ્ધજ્ઞાનસ્વરૂપને
અને રાગને તો ઘણું અંતર છે, બંને વચ્ચે ઘણો તફાવત
છે, કાંઈ તેમને એકતા નથી. છતાં ભ્રમથી જ અજ્ઞાની
તેને એકપણે અનુભવે છે, છતાં એકમેક થયા નથી તેથી
બંનેની ભિન્નતાનો અનુભવ કરવો તે સુગમ છે.
–પ્રવચનમાંથી