: ૧૨ : : મહા : ૨૪૯૬
ચૈતન્યસ્વરૂપ નિજપદ
હે જીવ! આ શુદ્ધચૈતન્યસ્વરૂપ જ તારું સાચું પદ છે,
એ સિવાય બીજું બધુંય અપદ છે...અપદ છે.
પંદર વરસ પહેલાંની વાત છે. એ વખતે પં. જવાહરલાલ નહેરુએ ભારતની
કોંગે્રસના પ્રમુખપદે, પોતાને સ્થાને સૌરાષ્ટ્રના શ્રી ઢેબરભાઈને નીમવાનું નક્કી કર્યું, તે
સમાચારથી ઘણા લોકો જ્યારે આનંદની હો–હા કરતા હતા, ત્યારે પૂ. ગુરુદેવશ્રી કાનજી
સ્વામીએ નીચેના ઉદ્ગાર કાઢ્યા હતા–
લોકોને આ બહારના પદનો મહિમા છે, પણ અંદરના ચૈતન્યપદની ખબર નથી.
ચૈતન્યના ભાન વિના, બહારમાં મોટા મોટા પ્રમુખપદ કે રાજ્યપદ મળે તેમાં આત્માને
શું? તે તો બધું અપદ છે,–એ કાંઈ જીવને શરણભૂત નથી. જેને અંતરના પોતાના
ચૈતન્યપદનું ભાન નથી, તેનું શરણ લીધું નથી તેને મરણ ટાણે કાંઈ આ બહારનાં પદ
શરણભૂત નહીં થાય. બહારમાં મોટું પદ મળ્યું તેમાં આત્માનું શું હિત?–તે કાંઈ
પરભવમાં સાથે નહીં આવે. ચક્રવર્તીપદના સ્વામી પણ આત્માના નિજપદને ભૂલીને
સાતમી નરકે સીધાવ્યા છે, ને બહારનું કોઈ પદ ન હોય એવા જીવો પણ નિજપદને
સાધીને મોક્ષ પામ્યા છે. બહારનું પદ કાંઈ આત્માનું પદ નથી.
મારો આત્મા જ જ્ઞાનાનંદ પરમાત્મા છે,–હું જ પરમાત્મા છું, પરમાત્મપદની
ગાદીએ બેસવા માટે હું લાયક છું. એમ જેણે આત્માના ચૈતન્યપદને ઓળખ્યું તે મોટો
બાદશાહ છે; પોતાના શુદ્ધ ચૈતન્યપદના સિંહાસને જે બેઠો તે બાદશાહનો પણ બાદશાહ
છે. પોતાના ચૈતન્યપદ પાસે ત્રણેલોકના પદને તે તૃણસમાન જાણે છે. ત્રણકાળ–
ત્રણલોકમાં સૌથી શ્રેષ્ઠ–પ્રધાનપદ આ શુદ્ધ ચૈતન્યધાતુ જ છે,–જેના જ્ઞાનની આણ
ત્રાસવગર ત્રણકાળ ત્રણલોકમાં વર્તે છે.–આવા ચૈતન્યપદને ઓળખવું,–તે જ સાચું પદ
છે. બાકી આ બહારનાં પદ તે તો થોથાં છે, અપદ છે. માટે હે જીવ! તું સ્વપદને જાણ.
ઉપરોક્ત ચર્ચાના પ્રસંગે ગુરુદેવે ધર્માત્માનું ઉદાહરણ આપીને કહ્યું કે જુઓને,
આત્માનું કેવું અલૌકિક કામ કરે છે! એ તો ભગવાનના દીવાન છે; બાદશાહનાં પણ
બાદશાહ છે. (–નિત્યનોંધમાંથી)
(ગુરુદેવે આ ઉદ્ગારો દ્વારા બતાવેલી વસ્તુસ્થિતિ કેવી સ્પષ્ટ છે–તે શું આજના
રાજકીય વાતાવરણમાં બતાવવું પડે તેમ છે? શ્રી ઢેબરભાઈ ગુરુદેવ પ્રત્યે પ્રેમ ધરાવે છે
ને તાજેતરમાં આ માસમાં જ તેઓ સોનગઢ દર્શન કરવા આવ્યા.)