: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : પ :
પહેલું સુખ તે ભેદવિજ્ઞાન
[સમયસાર ગા. ૭૪ ઉપર જલગાંવમાં ફાગણ સુદ ૩ થી ૮ના પ્રવચનોમાંથી]
દુઃખથી છૂટવા માટે કેવું ભેદજ્ઞાન કરવું? તેની સમજણ
આત્મા અનાદિકાળથી જ્ઞાન–આનંદસ્વરૂપ વસ્તુ છે; તે પોતાના ચૈતન્યસ્વરૂપને
ભૂલીને સંસારમાં રખડે છે. સંસારમાં રખડતાં તેણે લક્ષ્મી–ધન વગેરેનો સંયોગ
અનંતવાર મળ્યો, પણ પોતાની ચૈતન્યલક્ષ્મી શું છે તે તેણે કદી જાણ્યું નથી.
આ સંસારમાં રખડતા જીવને મનુષ્યપણું મળવું અને સાચા દેવ–ગુરુનો યોગ
તથા જૈનધર્મનું શ્રવણ મળવું બહુ મોંઘું છે. ભગવાનના સમવસરણમાં ધર્મનું શ્રવણ
કરવા માટે સ્વર્ગમાંથી ઈન્દ્રો અને દેવો પણ આ મનુષ્યલોકમાં આવે છે. તો એ ધર્મકથા
કેવી હશે! તે ધર્મશ્રવણ માટે બહુમાન અને ઉત્સાહ જોઈએ. સીમંધર પરમાત્મા વગેરે
તીર્થંકરો અત્યારે પણ મનુષ્યલોકમાં વિદેહક્ષેત્રમાં બિરાજે છે, ને આત્માના સ્વરૂપની
ધર્મકથા સંભળાવે છે, ઈન્દ્ર અને ચક્રવર્તી ભક્તિપૂર્વક શ્રવણ કરે છે. ભગવાને જે ઉપદેશ
આપ્યો તે જ આ સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે સમજાવ્યો છે.
ભાઈ, તારા આત્માનું સાચું સ્વરૂપ શું છે? તેને ઓળખ. શરીર અને પૈસા એ
તો જડ છે, પુણ્ય–પાપના ભાવો થાય તે પણ તારું ખરૂં સ્વરૂપ નથી; તેનાથી પણ પાર
થઈને આનંદસ્વરૂપ આત્માનું વેદન થાય તે ધર્મ છે. આવા સ્વરૂપને ઓળખવું તે જ
દુઃખથી છૂટવાનો રસ્તો છે. પરમાત્માએ સુખ માટે આવો રસ્તો બતાવ્યો છે. પોતે આવો
રસ્તો લીધો ને જગતને પણ એ જ માર્ગ બતાવ્યો. તેનું આ વર્ણન છે.
સુખ કહો કે ધર્મ કહો; ધર્મ સૂક્ષ્મ છે; શુભરાગ કરવો તે તો સ્થૂળ છે, તે તો
અજ્ઞાનીને પણ આવડે છે, પણ રાગથી પાર એવો સૂક્ષ્મધર્મ શું ચીજ છે? તેની
અજ્ઞાનીને ખબર નથી. પુણ્ય અને પાપથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ એક
ક્ષણ પણ કરે તો અનંતકાળના ભવચક્રનો અંત આવે ને અલ્પકાળમાં મુક્ત થઈ જાય.
આવું ભેદજ્ઞાન કરવું તે ધર્મની મુખ્ય ચીજ છે. બાકી જિનમંદિર–પ્રતિમા–પૂજા વગેરે
શુભભાવો શ્રાવકને આવે છે ખરા, પણ તે શુભરાગ કાંઈ જ્ઞાનસ્વરૂપ નથી, જ્ઞાનથી તે
ભિન્ન છે, તે મોક્ષનું કારણ થતું નથી, મોક્ષનું કારણ તો રાગ વગરની એવી જ્ઞાનક્રિયા જ
છે. આવા જ્ઞાનવડે આત્મબોધ આઠવર્ષના બાળકને પણ થાય છે. આવા આત્મબોધ
વગર કદી જન્મ–મરણનાં દુઃખ મટે નહીં.