Atmadharma magazine - Ank 318
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 48

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
જીવે પાપ અને પુણ્ય બંને ભાવો અનંતવાર કર્યા છે, અનાદિકાળથી એ જ કામ
કર્યું છે; જડનું કામ કદી કર્યું નથી, અને પાપ–પુણ્યથી પાર એવું જ્ઞાનનું કામ શું છે તે કદી
જાણ્યું નથી. ભાઈ, પુણ્ય–પાપના ભાવો તો તારા જ્ઞાનથી વિરુદ્ધભાવો છે, તે તારા
જ્ઞાનની પુષ્ટિ કરનારાં નથી પણ ઘાત કરનારાં છે. જ્ઞાનનો સ્વભાવ તો શાંત અનાકુળ
છે, તેના વેદનથી સમ્યગ્દર્શન અને આનંદ થાય છે. ધર્મની આ રીતને ઓળખે પણ નહીં
અને જડને તથા રાગને જ પોતાનું સ્વરૂપ માનીને વર્તે તે જીવને ધર્મ ક્્યાંથી થાય?
રાગને પોતાનું સ્વરૂપ જ માને તે રાગથી પાછો ક્્યારે વળે? જ્ઞાન અને રાગની ભિન્નતા
જાણીને ભેદજ્ઞાન કરે તો જ્ઞાનમાં તન્મય થાય ને રાગથી જુદો પડે. આ રીતે ભેદજ્ઞાન
વડે જ આત્મા આસ્રવોથી એટલે કે દુઃખથી છૂટે છે. બીજો કોઈ ઉપાય દુઃખથી છૂટવાનો
નથી.
ચારગતિમાંથી નરક કરતાં સ્વર્ગમાં જનારા જીવો ઝાઝા છે. જીવે અજ્ઞાનપણે
પાપ–પુણ્ય કરીને નરક કરતાં સ્વર્ગના ભવ અસંખ્યગુણા કર્યા છે, ને તિર્યંચના
(એકેન્દ્રિયના) ભવ તો તેનાથી અનંતગુણા કર્યા છે. ચારે ગતિમાં મનુષ્યપણું સૌથી
દુર્લભ છે; મનુષ્યભવ સૌથી ઓછા કર્યા છે, છતાં તે પણ અનંતભવ કર્યા છે. આવું
મનુષ્યપણું પામીને તેમાં સર્વજ્ઞપરમેશ્વર જેવો પોતાનો આત્મા, તેની ઓળખાણ કરીને
સમ્યગ્દર્શન કરવું તે મૂળ ધર્મ છે.
બાપુ! આવો આત્મકલ્યાણનો અવસર મળ્‌યો, તેમાં પોતાનું હિત કેમ થાય તેનો
વિચાર કર. બહારની હોડ–હરિફાઈ છોડ. બીજા પાસે ઘણા પૈસા ને મારી પાસે થોડા–
એવી ખોટી ચિંતા કરે છે, પણ જેવા સર્વજ્ઞભગવાન છે તેવા જ સર્વજ્ઞસ્વભાવનો વૈભવ
મારામાં ભર્યો છે–એમ નિજનિધાનનો વિશ્વાસ કર, તો અપૂર્વ શાંતિ મળે. આત્મા જ્યારે
પોતાના સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાથી સર્વજ્ઞપદ પ્રગટ કરે છે ત્યારે તે
આત્માને જ ઈશ્વર–પરમાત્મા કહેવાય છે. એટલે પોતાના સર્વજ્ઞ સ્વભાવની ઉપાસના
(ઓળખાણ અને એકાગ્રતા) તે પરમેશ્વરની ખરી ઉપાસના છે. આવા પરમેશ્વરની
ઓળખાણ વગર સાચી ઈશ્વરની ઉપાસના થઈ શકતી નથી.
આત્મા જ્યારે સર્વજ્ઞ પરમેશ્વર થાય છે ત્યારે તેને જરાપણ રાગ રહેતો નથી,
વસ્ર હોતાં નથી, ખોરાક હોતો નથી, ઈચ્છા હોતી નથી. એક ક્ષણમાં પૂર્ણ આનંદના
ભોગવટા સહિત ત્રણકાળ–ત્રણલોકને જાણે છે. આવા પરમાત્માની ઓળખાણ પૂર્વક
તેમની સ્થાપના–પૂજા–બહુમાન તે ઈશ્વરની વ્યવહાર ઉપાસના છે; અને ‘જિનપદ