આકોલાથી વચ્ચે મૂર્તિજાપુર થઈને માહ વદ ૭ ના રોજ કારંજા આવ્યા.
વખતે પહેલાં બહેનો ને પછી ભાઈઓ ચાલે એવી પદ્ધત્તિ હતી. કારંજા ત્રીસેક
હજારની વસ્તીમાં જૈનસમાજના ૧પ૦ જેટલા ઘર, છતાં સ્વાગતમાં ને પ્રવચનમાં
બે–અઢી હજાર માણસો થતા હતા. મુખ્ય વસ્તી દિગંબર જૈનોની છે. ગામમાં ત્રણ
સુંદર જિનમંદિરો છે, તથા ગામથી બે માઈલ દૂર મહાવીર બ્રહ્મચર્યાશ્રમમાં એક
સુંદર જિનાલય–માનસ્તંભ સહિત છે. એક મંદિરમાં અનેકવિધ રત્નોનાં તથા સુવર્ણ
વગેરેનાં સુંદર પ્રતિમાઓ બિરાજે છે; તેમનાં દર્શન કરતાં આનંદ થતો હતો.
ગુરુદેવે કહ્યું–આત્મા સત્ ચૈતન્ય આનંદમય શાશ્વત વસ્તુ છે. આવા
આત્મસ્વભાવની સન્મુખ થઈને શરીરાદિથી તથા રાગાદિ વિભાવોથી વિમુખ થવું તે
માંગળિક છે. અનાદિકાળમાં ન મળેલી એવી અપૂર્વ આત્મશાંતિ જેનાથી મલે તે
મંગળ છે. અંતરમાં આત્મા પવિત્રસ્વભાવી ભગવાન છે, તેની પાસે જતાં જે
સુખની પ્રાપ્તિ થાય તે મંગળ છે. લોકોમાં પુત્રજન્મ, વિવાહ, લક્ષ્મીની પ્રાપ્તિ વગેરેને
મંગળ કહેવાય છે, પણ એ કાંઈ વાસ્તવિક મંગળ નથી. વાસ્તવિક મંગળ તો
ભગવાન આત્માના સ્વભાવમાં વાસ કરીને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય, ને
મમકારરૂપ પાપ ગળે, તે સાચું મંગળ છે; તેમાં અંતરના આનંદસમુદ્રમાંથી શાંતિનો
સ્રોત વહે છે. આવું મંગળ જીવે કદી નથી કર્યું, આત્મજ્ઞાન વગર અનંતવાર ત્યાગી
થઈને મુનિવ્રત પાળ્યાં, પણ તે શુભથી ધર્મ માનીને આકુળતાનું જ વેદન કર્યું,
આકુળતા વગરનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેનું વેદન કદી ન કર્યું; તેની
ઓળખાણ પણ ન કરી. આત્મા પોતે આનંદસ્વરૂપ છે, તેના જ્ઞાનથી આનંદની પ્રાપ્તિ
થાય છે, તે જ મંગળ છે. આઠ વર્ષનો બાળક પણ આત્માના ભાન વડે આવું મંગળ
પ્રગટ કરીને કેવળજ્ઞાન પામે છે.