Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 54

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
બપોરે સમયસારની ૧૧ મી ગાથા ઉપર પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કે આ
ગાથામાં જૈન સિદ્ધાંતનું રહસ્ય છે. કુંદકુંદ આચાર્યદેવ આ ભરતભૂમિમાં બે હજાર વર્ષ
પહેલાં થયા; તેઓ મદ્રાસથી ૮૦ માઈલ દૂર પોન્નૂર (સોનાનો ડુંગર) પર રહેતા હતા
ને ધ્યાન કરતા હતા. તેઓ અહીંથી વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા પાસે જઈને આઠ
દિવસ રહ્યા હતા અને ભગવાનની વાણી સાંભળીને આ ભરતક્ષેત્રમાં આવ્યા.
આત્માનો ઘણો અનુભવ તેમને હતો. એવા આચાર્ય ભગવાને આ સમયસાર વગેરે
શાસ્ત્રો રચ્યાં છે. શુદ્ધાત્માનું અલૌકિક વર્ણન તેમાં છે. આ રીતે સિદ્ધાન્તની ઉત્પત્તિ કેમ
થઈ તે બતાવ્યું.
આત્માનું સાચું સ્વરૂપ શું છે? તે જાણીને તેનો અનુભવ કરવો તે ધર્મ છે, તે
મોક્ષમાર્ગ છે. જેટલા વ્યવહારના વિકલ્પો છે તે અભૂતાર્થ છે; ગુણ–ગુણી ભેદના
વિકલ્પરૂપ વ્યવહાર તે પણ ભૂતાર્થઆત્મા નથી, તેના વડે આત્મા અનુભવમાં આવતો
નથી. શુભરાગ તે આત્માના ચેતનસ્વભાવમાં અસદ્ભુત છે. એકલા રાગ તરફ ઝુકેલું
જ્ઞાન તે પણ સાચું જ્ઞાન નથી. એકલો ચિદાનંદ સ્વભાવ રાગથી પાર છે, તે સ્વભાવના
આશ્રયથી જ સમ્યક્ શ્રદ્ધા થાય છે. જાતિસ્મરણ કે દુઃખ–વેદના વગેરે કારણોથી
સમ્યક્ત્વ થવાનું કહેવું તે વ્યવહાર છે, ખરેખર જ્યારે અંતરમાં એકરૂપ આત્માનું
અવલંબન કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે જ બીજા બધા કારણોને વ્યવહારકારણ
કહેવાય છે; એ સિવાયના એકલા વ્યવહારકારણોથી કોઈને સમ્યગ્દર્શન થતું નથી.
પર્યાયને ગૌણ કરી છે, પણ તે આત્મામાં છે જ નહીં–એમ નથી; સર્વથા પર્યાય
ન હોય તો એકાંત વેદાંત જેવું થઈ જાય. પર્યાય છે, પણ શુદ્ધાત્માના અનુભવમાં
પર્યાયનો ભેદ નથી. વ્યવહાર છોડવો એટલે કાંઈ પર્યાયને છોડી દેવી એમ નથી, પણ
અભેદસ્વભાવનો આશ્રય કરીને ભેદનો આશ્રય છોડવો, તે સમ્યગ્દર્શન છે, તેમાં
આત્માના આનંદનો સ્વાદ આવે છે.
સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર આત્માના મુખ્ય ગુણ છે. જેમ અગ્નિમાં પાચક,
પ્રકાશક અને દાહક એવી ત્રણ શક્તિ છે; પાચકશક્તિ અનાજને પકાવે છે, પ્રકાશક
શક્તિ પ્રકાશ આપે છે ને દાહકશક્તિ લાકડા વગેરેને બાળે છે; તેમ આત્માની શ્રદ્ધાશક્તિ
આખા શુદ્ધઆત્માને ભૂતાર્થદ્રષ્ટિમાં પચાવે છે એટલે કે શ્રદ્ધામાં સ્વીકાર કરે છે; પ્રકાશક
એવી જ્ઞાનશક્તિથી તે સ્વ–પરને પ્રકાશે છે; તથા દાહકરૂપ ચારિત્રશક્તિવડે આઠ કર્મોને
તેમજ રાગાદિ પરભાવોને બાળીને નષ્ટ કરે છે. આવા સ્વભાવવાળો આત્મા છે. તે
આત્માને શુદ્ધનય વડે ઓળખે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.