: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
જન્મ–મરણથી જેને બહાર નીકળવું હોય તેની આ વાત છે. જેનું હૃદય
વ્યવહારમાં જ મોહિત છે તે પોતાના એકરૂપ શુદ્ધાત્માને નથી દેખતો, પણ અનેકરૂપ
એવા રાગાદિ પરભાવોને જ દેખે છે; તે જીવોને આત્માનું સમ્યગ્દર્શન થતું નથી અને
જન્મમરણથી છૂટતા નથી. જો અંતરમાં દ્રષ્ટિ કરીને આત્માના અસલી સ્વભાવને દેખે
તો સાતમી નરકનો નારકી પણ સમ્યગ્દર્શન પામી શકે છે. એવું સમ્યગ્દર્શન પામેલા
અસંખ્યાત જીવો ત્યાં છે. અને જો આવા આત્માની શ્રદ્ધા ન કરે તો ભગવાનના
સમવસરણમાં બેઠેલો જીવ પણ સમ્યગ્દર્શન પામતો નથી ને મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.–
બહારનો સંયોગ શું કરે? અંતરમાં ભૂતાર્થ સ્વભાવ છે તેને ન પકડે ને પરભાવને જ
પકડે તો તે જીવ અભૂતાર્થ એવા વ્યવહારમાં મગ્ન છે. એકક્ષણ પણ વ્યવહારનો પક્ષ
છોડીને અંતરમાં રાગથી પાર ચિદાનંદ સ્વભાવને પકડે તો સમ્યગ્દર્શન થાય, ને જન્મ–
મરણનો અંત આવે.
ચારગતિના દુઃખોથી છૂટીને આનંદધામ એવા નિજનગરમાં પ્રવેશ કરવાનો આ
અવસર છે; તેમાં હે જીવ! તું પ્રમાદી થઈશ મા.
કારંજામાં રાત્રે તત્ત્વચર્ચા પણ સારી ચાલતી હતી. બે દિવસનો કાર્યક્રમ પૂરો
થતાં માહ વદ ૯ ની સવારે જિનેન્દ્રદેવના દર્શન કરીને કારંજાથી શિરપુર (અંતરીક્ષ
પાર્શ્વનાથ) તરફ પ્રસ્થાન કર્યું. વચ્ચે બાસીમ ગામથી ત્રણ માઈલ પહેલાં અનસિંગ
નામના એક ગામમાં ત્યાંનાં પદ્મપ્રભ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વાગત
કર્યું અને ત્યાં સ્વાધ્યાય મંદિરની શરૂઆત માટે ગુરુદેવના આશીર્વાદ માંગ્યા; ‘“ સહજ
ચિદાનંદ’ એવા મંગલસૂચક હસ્તાક્ષરપૂર્વક ગુરુદેવે કહ્યું કે આત્મા પોતે જ્ઞાનવિદ્યાસ્વરૂપ
છે; તેને ભૂલીને શરીરને કે રાગાદિ પરભાવોને પોતાના માનવા તે અવિદ્યા છે અને
નિજભાવને ઓળખવો તે સમ્યક્વિદ્યા છે, આવી વિદ્યા તે મોક્ષનું કારણ છે.
એકત્વનો આનંદ જંગલમાં એકલા કેમ ગોઠે?
મુનિઓને વનમાં એકલા એકલા કેમ ગોઠતું
હશે?–તો કહે છે કે અહો! એ એકલા નથી, અંતરમાં
અનંત ગુણોનો એમને સાથ છે. બહારનો સંગ છોડીને
અંતરમાં આત્માના અનંત ગુણો સાથે ગોષ્ઠી કરી તેમાં
અપૂર્વ આનંદ છે, તો કેમ ન ગોઠે? આનંદમાં કોને ન
ગોઠે? આત્માના અનંત ગુણો સાથે ગોષ્ઠી કરતા તેમાં
અનંત આનંદ છે.