: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
દ્રવ્યનિર્ગ્રંથ હોય તો પણ વિમલ જિનશાસનમાં સમાધિ કે બોધિને પામતા નથી.
૭૩. જીવ મિથ્યાત્વાદિ દોષોને છોડીને ભાવથી નગ્ન થાય છે; પછી જિનાજ્ઞા–અનુસાર
દ્રવ્યથી મુનિલિંગ પ્રગટ કરે છે.
૭૪. ભાવ જ દિવ્ય–શિવસુખનું ભાજન છે; ભાવથી રહિત શ્રમણ તે તો કર્મમળથી
મલિન ચિત્તવાળા છે, અને પાપ તથા તિર્યંચગતિનાં ભાજન છે.
૭૫. વિદ્યાધરો–દેવો અને મનુષ્યોની હસ્તાંજલિ વડે જેની સ્તુતિ કરવામાં આવે છે એવી
ચક્રધરની વિપુલ રાજલક્ષ્મીને તેમજ બોધિને પણ જીવ ઉત્તમ ભાવ વડે પામે છે.
૭૬–૭૭. જિનવરદેવે કહેલા ભાવ શુભ, અશુભ અને શુદ્ધ–એમ ત્રણ પ્રકારનાં જાણવા,
આર્ત્ત–રૌદ્ર ધ્યાન તે અશુભ છે, ધર્મધ્યાન તે શુભ છે; અને આત્મામાં આત્માના
શુદ્ધસ્વભાવરૂપ ભાવ તે શુદ્ધ છે–તે પણ જ્ઞાતવ્ય છે. આ પ્રમાણે જિનવરદેવે ત્રણ
ભાવો કહ્યાં છે તેમાંથી જે શ્રેયનું કારણ છે તેને હે જીવ! તું સમ્યક પ્રકારે આચર.
૭૮. જેને માનકષાય અત્યંત ગળી ગયો છે, મિથ્યાત્વમોહ અત્યંત ગળી ગયો છે અને
જે સમચિત્ત છે, તે જીવ જિનશાસનમાં ત્રણ ભુવનના સારરૂપ બોધિને પામે છે.
૭૯. વિષયવિરક્ત શ્રમણ સોળ ઉત્તમ કારણોને ભાવીને તીર્થંકર નામકર્મ બાંધે છે
અને અલ્પકાળમાં મુક્ત થાય છે.
૮૦. હે મુનિપ્રવર! બાર પ્રકારનાં તપશ્ચરણને તથા તેર પ્રકારની ક્રિયાઓને ત્રિવિધે
ભાવો, તથા માતેલા હાથી જેવા દુરિતમનને જ્ઞાન–અંકુશ વડે વશમાં રાખો.
૮૧. જેને પંચવિધ વસ્ત્રનો ત્યાગ છે, ભૂમિશયન છે, દ્વિવિધ સંયમ છે, પૂર્વે
શુદ્ધઆત્માના ભાવને ભાવ્યો છે–એવા ભિક્ષુને નિર્મળ શુદ્ધ જિનલિંગ હોય છે.
૮૨. જેમ રત્નોમાં શ્રેષ્ઠ વજ્રરત્ન છે, અને વૃક્ષસમૂહમાં શ્રેષ્ઠ ચંદનવૃક્ષ છે, તેમ
ધર્મોમાં સૌથી શ્રેષ્ઠ જિનધર્મ છે; તેને હે જીવ! ભવના મથન માટે તું ભાવ.
૮૩. પૂજાદિકમાં તથા વ્રતાદિકમાં તો પુણ્ય છે; અને આત્માના મોહ–ક્ષોભ વગરનાં
પરિણામ તે ધર્મ છે, એમ જિનદેવે શાસનમાં કહ્યું છે.
૮૪. અજ્ઞાનીજીવ પુણ્યને શ્રદ્ધે છે, તેની પ્રતીતિ કરે છે, રુચિ કરે છે, તેમજ ફરીફરી
તેનું સ્પર્શન અનુભવન કરે છે;