: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
५. भाव प्राभृत
ભગવાન શ્રી કુંદકુંદસ્વામી–રચિત અષ્ટપ્રાભૃતમાંથી પાંચમા ભાવ
પ્રાભૃતની મૂળ ગાથાના અર્થ અહીં આપ્યા છે. શરૂઆતના ચાર પ્રાભૃત
(દર્શનપ્રાભૃત, સૂત્રપ્રાભૃત, ચારિત્રપ્રાભૃત અને બોધપ્રાભૃત) ગતાંકમાં
આપ્યાં હતાં.
આ ભાવપ્રાભૃત ઘણું સુંદર છે. વેરાગ્યભીની શૈલિથી ભાવશુદ્ધિનો
સુંદર ઉપદેશ ૧૬પ ગાથાઓ દ્વારા આચાર્યદેવે આ પ્રાભૃતમાં આપ્યો છે,
અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવશુદ્ધિને આરાધવાની વારંવાર ઉત્તમ
પ્રેરણા કરી છે. અત્યંતપ્રિય એવું આ પ્રાભૃત આત્મધર્મ માં આપવાની ઘણા
વખતથી ભાવના હતી, તે આ અંકમાં પૂરી થાય છે. ભાવપ્રાભૃત ઉપરનાં
કેટલાંક સુંદર પ્રવચનો અગાઉ આત્મધર્મમાં તેમજ સુવર્ણસન્દેશમાં આવેલાં
છે; તદુપરાંત ફરીને પણ ગુરુદેવનાં શ્રીમુખથી સાંભળવા મળે છે. આ
ભાવપ્રાભૃત દ્વારા આચાર્યદેવે આપણને સમ્યક્ત્વાદિ શુદ્ધભાવની જ ભેટ
આપી છે,–એમ સમજીને ભાવથી તેનો ઉદ્યમ કર્તવ્ય છે. બાકીનાં ત્રણ
પ્રાભૃત આગામી અંકમાં આપીશું. – બ્ર. હ. જૈન
૧. નરેન્દ્ર, સુરેન્દ્ર અને ભવનેન્દ્રથી વંદિત જિનવરેન્દ્રોને સિદ્ધોને તથા બાકીનાં
સંયતોને મસ્તક વડે નમસ્કાર કરીને હું ભાવપ્રાભૃત કહીશ.
૨. હે જીવ! ભાવ તે જ પ્રથમ લિંગ છે, દ્રવ્યલિંગને તું પરમાર્થરૂપ ન જાણ, જીવને
ગુણ–દોષોનું કારણ ભાવ જ છે એમ જિનભગવંતો કહે છે.
૩. ભાવવિશુદ્ધિ અર્થે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવામાં આવે છે; જે અભ્યંતર
પરિગ્રહસહિત છે તેને બાહ્યત્યાગ નિષ્ફળ છે.
૪. ભાવરહિત જીવ હાથ લટકતા રાખીને અને વસ્ત્ર છોડીને અનેક ક્રીડાક્રોડી જન્મો
સુધી તપશ્ચરણ કરે તોપણ સિદ્ધિને પામતો નથી.
૫. કોઈ જીવ બાહ્યપરિગ્રહને છોડે છે પણ જો પરિણામ અશુદ્ધ છે, તો ભાવશુદ્ધી
વગરના તે જીવને બાહ્યપરિગ્રહનો ત્યાગ શું કરશે?