: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
સ્વભાવના
મહિમાની
મધુરી પ્રસાદી
લેખાંક (૨)
સ. ગા. ૩૨૦ નાં પ્રવચનોનો એક ભાગ ગતાંકમાં આપેલ
છે, તેનો બીજો ભાગ અહીં આપવામાં આવ્યો છે. જ્ઞાનસ્વભાવનો
કોઈ અપૂર્વ ઉલ્લાસ લાવીને ફરી ફરીને તેના મહિમાનું ઊંડું ઘોલન
કરવું તે આ પ્રવચનનો સાર છે, ને તે જ અનુભવની રીત છે.
આત્માનો શુદ્ધ સ્વભાવ કેવો છો?–કે જેને લક્ષમાં લેતાં સમ્યગ્દર્શન થાય? તેની
આ વાત છે. બધા સમુદ્રોમાં સ્વયંભૂરમણ–સમુદ્ર સૌથી મોટો છે, તે સ્વયંભૂરમણ સમુદ્ર
કરતાં પણ મહાન જેનો મહિમા છે એવો જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા છે. શરીરાદિ
સંયોગ તો આત્માથી તદ્ન બહાર છે, કર્મ પણ જડ છે–આત્માથી ભિન્ન છે, રાગ પણ
આત્માનું સ્વરૂપ નથી, ને એક પર્યાય જેટલો પણ આખો આત્મા નથી; એક સમયમાં
પરમ જ્ઞાનસ્વભાવે પૂરો આત્મા છે; તે આત્મા જ્યારે સ્વસન્મુખ થઈને શુદ્ધજ્ઞાનરૂપે
પરિણમે છે ત્યારે તે રાગાદિનો કર્તા–ભોકતા થતો નથી.–આવું અકર્તાપણું તે ધર્મ અને
મોક્ષમાર્ગ છે.
જીવાદિ સાતતત્ત્વોમાંથી પણ પોતાનો શુદ્ધ આત્મા જ ખરેખર ઉપાદેય છે.
પરવસ્તુ ક્યાંય બહાર રહી ગઈ, પરભાવ રાગાદિ ક્યાંય રહ્યા, ને નિર્મળ પર્યાયના
ભેદોનો પણ ધર્મીને આશ્રય નથી; નિર્મળપર્યાયના ભેદો ઉપાદેય નથી; આત્માને
નિર્ણય અને ઓળખાણ કરવી જોઈએ; પછી વારંવાર અંતરમાં તેનું ઘોલન કરતાં
અનુભવ અને સમ્યગ્દર્શન થાય છે. આ તો પોતાના ઘરની વસ્તુ છે; પોતાના
અસ્તિત્વમાં જે છે તે જ પોતાને સમજવાનું છે. પોતાના સ્વભાવને ભૂલીને અત્યારસુધી
બહારમાં નજર કરી છે ને ત્યાં જ પોતાનું અસ્તિપણું માન્યું છે; તેને બદલે અંતરમાં
પોતાનો જે સ્વભાવ છે તેમાં નજર કરવાની આ વાત છે.
જે અખંડ કારણ પરમાત્મારૂપ આત્મા છે તે જ સમ્યગ્દ્રષ્ટિ જીવોને ઉપાદેય છે;
આવો આત્મસ્વભાવ તો બધા જીવોમાં છે, પણ તેને સમ્યગ્દ્રષ્ટિ જ ઉપાદેય કરે છે, તે