ધર્માનુરાગથી દશ ધર્મોને જાણવા અને આરાધવા.
સુકુમારમુનિ, સુકૌશલમુનિ, પાંડવમુનિવરો, પારસનાથ મુનિરાજ વગેરેએ પશુ–મનુષ્ય
કે દેવકૃત ઉપસર્ગ સહન કરીને ક્ષમાધર્મની આરાધના કરી છે.
પ્રતિકૂળતા કરનાર જગતમાં કોઈ છે નહીં’–આમ આનંદમાં રહેતાં ખેદની ઉત્પત્તિ જ
થતી નથી. ક્રોધ વડે કોઈ જીવ કદાચ શરીરને ઘાતે, પણ મારા ક્ષમાધર્મને કોઈ હણી
શકે નહીં–એમ દેહથી ભિન્ન પોતાના સ્વભાવની ભાવના વડે ધર્માત્માઓને ક્ષમાધર્મ
હોય છે.
પુરુષાર્થસિદ્ધિ–ઉપાયમાં કહે છે કે જેટલા ધર્મો મુનિના છે તે બધા ધર્મોનો અંશ શ્રાવકને
પણ હોય છે. પણ એમ નથી કે મુનિને જ ધર્મ હોય ને શ્રાવકને ધર્મ ન હોય. શ્રાવકોએ
પણ ચૈતન્યસ્વભાવના ભાનપૂર્વક ઉત્તમક્ષમાદિ ધર્મોની આરાધના કરવી. આ ધર્મની
આરાધના પર્યુષણના દિવસોમાં જ થાય એમ કાંઈ નથી, તે તો ગમે ત્યારે જીવ જ્યારે
કરે ત્યારે થાય છે. કોઈપણ ક્ષણે જીવ ધર્મની આરાધના કરીય શકે છે. આત્માના
આનંદપૂર્વક ગજસુકુમાર આદિ મુનિવરોએ ઉત્તમક્ષમાને આરાધી. દેહ અગ્નિથી ભસ્મ
થતો હતો, પણ તે જ વખતે આત્મા તો શાંતરસના શેરડામાં મગ્ન હતો, ક્ષમામાં દુઃખ
નથી, ક્ષમામાં તો અતીન્દ્રિય આનંદના ઘૂંટડા છે.