* આત્માનું અસ્તિત્વ *
(સોનગઢમાં પંચાસ્તિકાયના પ્રવચનમાંથી)
આત્માનો સ્વભાવ એટલે કે આત્માનું અસ્તિત્વ જ્ઞાનથી રચાયેલું છે; આત્માનું
અસ્તિત્વ દેહથી કે રાગથી રચાયેલું નથી.
જ્ઞાનથી આત્માનું અસ્તિત્વ છે એટલે કે જ્ઞાન સાથે તેને એકરૂપતા છે; દેહ સાથે
કે પુણ્ય–પાપ સાથે આત્માને એકરૂપતા નથી, તેના વગર પણ આત્માનું અસ્તિત્વ ટકી
રહે છે.
જ્ઞાન તે આત્મા છે–એમ લક્ષમાં લઈને એકાગ્ર થતાં આત્મામાં એકાગ્ર થવાય છે,
કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પરંતુ દેહ તે આત્મા, કે રાગ તે આત્મા–એમ લક્ષમાં લ્યે
તો આત્મામાં એકાગ્ર થવાતું નથી કેમકે તે ખરેખર આત્મા નથી.
એક જ્ઞાનનું અસ્તિત્વ, ને બીજું આત્માનું અસ્તિત્વ, એમ કાંઈ બે ભિન્ન ભિન્ન
અસ્તિત્વ નથી, બંનેનું એક અસ્તિત્વ છે, બંને અભિન્નપ્રદેશી છે, તેમજ બંનેને
એકભાવપણું છે.
જ્ઞાન અને આત્માનો એક ભાવ છે, પણ રાગ અને આત્માનો એક ભાવ નથી,
તેમનો તો ભિન્ન ભાવ છે; તેમજ દેહ અને આત્માનો એક ભાવ નથી, તેમને ભિન્ન
ભાવ છે. અહો! આવું ભેદજ્ઞાન કરીને જ્ઞાનવડે જાણનારને જાણવો–તેમાં મહાન આનંદ
છે. રાગ અને રોગ વગરનો આત્મા મહાન આનંદનું ધામ છે.
દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી કે ભાવથી આત્માને અને જ્ઞાનને ભિન્નપણું નથી, પણ
એકપણું છે. પોતાના આવા જ્ઞાનમય અસ્તિત્વને જાણવું, એટલે જ્ઞાનથી પોતાની જરાય
ભિન્નતા ન માનવી, ને પોતાના જ્ઞાનમય અસ્તિત્વમાં રાગાદિ પરભાવોને જરાય
એકમેક ન કરવા,–આવું સમ્યક્ ભેદજ્ઞાન, એટલે કે સ્વમાં એકતા ને પરથી ભિન્નતાનું
ભાન, તે મોક્ષનો ઉપાય છે.
જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેને સામાન્યપણે એકરૂપપણું હોવા છતાં વિશેષ
અપેક્ષાએ જ્ઞાનના અનેક પ્રકારો હોવામાં કોઈ વિરોધ નથી. મતિ–શ્રુત વગેરે જ્ઞાનના
ભેદો છે તેઓ કાંઈ સામાન્યજ્ઞાનની એકતાને તોડતા નથી પણ ઉલટા તેને અભિનંદે છે–
ભેટે છે, એ વાત સમયસારની ૨૦૪ ગાથામાં કરી છે. સર્વજ્ઞદેવે સાક્ષાત્ જોયેલો આવો
જ્ઞાનસ્વરૂપ આત્મા, તે અજ્ઞાનીઓએ કદી જોયો નથી. એકપણું ને અનેકપણું બંને સાથે
રહે એવો તો વસ્તુનો સ્વભાવ જ છે.
અનંત ગુણનો આધાર એક દ્રવ્ય છે, તે એકમાં એકાગ્ર થતાં અનંત ગુણોનો
વિકાસ થઈ જાય છે; પણ એકેક ગુણનો ભેદ પાડીને લક્ષમાં લેવા જાય તો વિકલ્પ જ
થાય છે ને એકપણ ગુણનો વિકાસ નથી થતો. માટે અનંત ગુણ–પર્યાયના આધારરૂપ
એવા એક દ્રવ્યને અનુભવમાં લેતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણો ખીલે છે.