અનુભવનો જે નિશ્ચય ઉપદેશ આપે છે તેને તો તે ઓળખતો નથી, ને માત્ર
વ્યવહારશ્રદ્ધા કરીને, ખરેખર અતત્ત્વશ્રદ્ધાળુ જ રહે છે, જોકે તેને મિથ્યાત્વાદિની મંદતા
થઈ છે તે અપેક્ષાએ દુઃખ પણ મંદ છે, પણ સમ્યગ્દર્શન વડે આત્માના આનંદનો
અનુભવ થયા વગર દુઃખ કદી મટે નહિ; મંદ તીવ્ર થયા કરે પણ તેનો અભાવ ન થાય;
માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સિવાય જીવ બીજા જે ઉપાય કરે તે બધા જુઠ્ઠા છે. સાચો
ઉપાય શું છે? કે વીતરાગ–વિજ્ઞાન, એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
વિશુદ્ધતા હોવી જોઈએ. ભાઈ, જરાક ધીરો થઈને અંતરમાં વિચાર કે શાસ્ત્રો જે દુઃખોનું
વર્ણન કરે છે એવું દુઃખ તારામાં વેદાય છે કે નહિ? તારાં દુઃખને અને દુઃખનાં કારણોને
જાણ, અને તેનાથી છૂટવા આ મનુષ્યજીવનને ધર્મસાધનામાં લગાવ, તો તને મોક્ષસુખ
મળશે. મોક્ષસુખ મનુષ્યપણામાં જ સાધી શકાય છે; પણ જો મોક્ષસાધનને બદલે
વિષયોમાં જ મનુષ્યપણું ગુમાવી દઈશ તો તું પસ્તાઈશ.
મોક્ષમાર્ગપ્રકાશકમાં પં. ટોડરમલ્લજી કહે છે કે–‘ભલું થવા યોગ્ય હોવાથી જીવને એવો
વિચાર આવે છે કે હું કોણ છું? ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે? મરીને ક્્યાં જઈશ?
મારું સ્વરૂપ શું છે? આ ચારિત્ર કેવું બની રહ્યું છે? મને જે આ ભાવો થાય છે તેનું ફળ
શું આવશે? તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે?
આટલી વાતનો નિર્ણય કરીને જેથી પોતાનું હિત થાય તે જ કરવું’–આમ વિચારપૂર્વક તે
જીવ ઉદ્યમવંત થાય છે. અતિ પ્રીતિપૂર્વક શ્રવણ કરીને ગુરુએ કહેલા વસ્તુસ્વરૂપને
પોતાના અંતરમાં વારંવાર વિચારે છે; અને સત્ય સ્વરૂપનો નિશ્ચય કરીને તેમાં ઉદ્યમી
થાય છે.....ને આ રીતે વીતરાગવિજ્ઞાન વડે પોતાનું કલ્યાણ સાધે છે. માટે હે જીવો!
વીતરાગી દેવ–ગુરુનો ઉપદેશ પામીને, પોતાના કલ્યાણ માટે સાચા આત્મતત્ત્વનો
નિર્ણય કરો.