: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
સાચા દેવ–ગુરુ પાસે
આવીને જીવે શું કરવું?
સમ્યક્ત્વ વડે આત્માના આનંદના
અનુભવ વિના તારું દુઃખ મટશે નહીં.
જીવના કલ્યાણને માટે જ્ઞાની ઉપદેશ આપે છે કે આત્મ–હિતના અભિલાષી
મુમુક્ષુ જીવો ગૃહીત–અગૃહીત મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને છોડીને, અને શુદ્ધ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અંગીકાર કરીને આત્મકલ્યાણના માર્ગમાં લાગો;
પરાશ્રયભાવરૂપ આ સંસારમાં ભટકવાનું છોડો, મિથ્યાત્વાદિ ભાવોનું સેવન
છોડો......સાવધાન થઈને આત્માને રત્નત્રય ધર્મની આરાધનામાં જોડો.
કુંદકુંદસ્વામી નિયમસારમાં કહે છે કે–
મિથ્યાત્વ–આદિક ભાવ રે! ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ–આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. (૯૦)
અરે જીવ! હવે એવા મિથ્યાત્વાદિ દુઃખદાયી ભાવોને છોડ, ને આત્માના
કલ્યાણના માર્ગમાં લાગી જા. અરે, હું તો દેહથી ને રાગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છું–
એમ શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરીને આત્મહિતમાં લાગી જા. ભાઈ! આવું મનુષ્યપણું
પામીને તેં આત્માને મેળવ્યો કે નહીં? તારા આત્માનો ઉદય તેં કર્યો કે નહીં? કે પારકી
ચિન્તામાં જ જીવન વીતાવ્યું? અરે, અત્યાર સુધી આત્માને ભૂલીને મિથ્યાભાવોના
સેવન વડે પોતે પોતાનું અહિત કર્યું; અને તેમાંય કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનથી તો
આત્માનું ઘણું જ અહિત થયું ને દુઃખ ભોગવ્યું. માટે હે જીવ! તું સાચા દેવ–ગુરુ–ધર્મને
ઓળખીને સમ્યક્ત્વાદિ ભાવો પ્રગટ કર.–એમ કરવાથી તારું પરમ હિત થશે.
અરે, ઘણા જીવો તો એવા છે કે ભગવાને કહેલા વીતરાગ વિજ્ઞાનને તો
ઓળખતા નથી, અને મૂઢતાને લીધે એમ સમજે છે કે અમે કંઈક તત્ત્વજ્ઞાન કરીએ
છીએ,–પણ ઊલ્ટું કુગુરુઓના નિમિત્તથી વિપરીત વિચારમાં જ શક્તિ ગુમાવીને
મિથ્યાત્વને પુષ્ટ કરે છે. એવા જીવોને તો સમ્યગ્દર્શન વગેરેની પ્રાપ્તિનો અવકાશ જ
નથી.