Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 44

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : પ :
પરદ્રવ્યોની ચિંતાને અને પરભાવોના બોજાને ખંખેરી નાંખીને, શુદ્ધજ્ઞાન વડે
ધર્મીજીવ આત્માને ધ્યાવે છે, ને ધ્યાનમાં તે અતીન્દ્રિય આનંદને અનુભવે છે.
જેને ક્રોધ–માન–માયા–લોભની તીવ્રતા હોય, તેમાં જ જેનો ઉપયોગ રોકાઈ
ગયો હોય તે જીવ સ્વભાવનો રસ લગાડયા વિના તેમાં ઉપયોગને કઈ રીતે
જોડશે? અરે, ચિદાનંદસ્વભાવ સર્વ દોષ વગરનો નિર્દોષ ભગવાન, તેમાં જેનો
ઉપયોગ વળે તેને ક્રોધાદિ કષાયોનો રસ કેમ રહે? આવા સ્વભાવનો જેને પ્રેમ છે
તેને ગૃહસ્થપણામાંય ક્્યારેક ક્્યારેક સ્વરૂપમાં ઉપયોગ થંભી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવમાં પરમ આનંદ અનુભવાય છે.
અજ્ઞાની જીવો પોતાના ઉપયોગને ક્રોધાદિ પરભાવોમાં એકાગ્ર કરે છે; ને
જ્ઞાની ક્રોધથી ભિન્ન એવા ચેતનસ્વભાવમાં ઉપયોગને એકાગ્ર કરે છે. શુભરાગમાં
ઉપયોગની એકતાની જેને બુદ્ધિ છે તેને પણ ક્રોધમાં જ એકાગ્રતા છે, ઉપયોગમાં
એકાગ્રતા નથી. જ્ઞાનીને ક્રોધ વખતેય ક્રોધમાં એકતાની બુદ્ધિ નથી, તેનાથી ભિન્ન
એવા ઉપયોગને જ તે સ્વપણે અનુભવે છે. અરે, આવું ભેદજ્ઞાન પણ જે ન કરે ને
પરભાવના અગ્નિમાં શાંતિ માને, તે તેનાથી છૂટીને આત્માને ક્યારે ધ્યાવે? અને
ક્યારે તે સાચી શાંતિને પામે? રૂદ્રપરિણામમાં રોકાયેલો જીવ સિદ્ધિસુખને ક્્યાંથી
દેખે? રાગની ભાવનાવાળો વિષયોમાં મગ્ન જીવ ચૈતન્યગૂફામાં પરમાત્મભાવના
કઈ રીતે કરે? સમકિતી દુનિયામાં ગમે ત્યાં હો પણ તે પોતાના ચિદાનંદ
સ્વભાવમાં જ છે, બહારમાં તે ગયા જ નથી, ને રાગાદિ પરભાવમાંય તે ખરેખર
ગયા નથી કેમકે તેમાં તે એકમેક નથી. ગમે તેવી પ્રતિકૂળતાના પહાડ વચ્ચેય આવા
આત્માની શ્રદ્ધા અને પ્રેમ ન છૂટે ત્યારે સમજીએ કે આત્માનો રસ છે. ભાઈ,
બહારની પ્રતિકૂળતા તારામાં છે જ ક્યાં? કે તને નડતર કરે! અને બહારનાં
અનુકૂળ કાર્યો પણ ક્યાં તારા છે કે તું તેનો બોજો અને ચિંતા રાખ? જે વસ્તુ
પોતાની છે જ નહિ, જે વસ્તુમાં પોતાનું અસ્તિત્વ જ નથી, અને જે વસ્તુનું કાર્ય
આત્માનું નથી, તેની ચિંતામાં કે તેના ભયમાં જ્ઞાની કેમ રોકાય? ચિંતાને તો
ચેતનાથી જુદી કરી નાંખી છે. –આવી જ્ઞાનચેતના ધર્મીના અંતરમાં હોય છે; ને
આવી ચેતના વડે જ આત્માનો આનંદ સધાય છે.