: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
૧૨. વિષયોથી જેમનું ચિત્ત વિરક્ત છે, શીલની જેઓ રક્ષા કરનારા છે, દર્શન જેમનું
શુદ્ધ છે અને ચારિત્ર જેમનું દ્રઢ છે–એવા જીવો ચોક્કસ નિર્વાણને પામે છે.
૧૩. વિષયોમાં મોહિત હોવા છતાં જે પુરુષ ઈષ્ટદર્શી છે (પોતાનું ઈષ્ટ શું છે તેને જાણે
છે) તેને તો માર્ગની પ્રાપ્તિ કહેવામાં આવી છે; પરંતુ જે ઉન્માર્ગદર્શી છે તેનું તો
જ્ઞાન પણ નિરર્થક છે.
૧૪. અનેકવિધ શાસ્ત્રોને જાણતા હોવા છતાં જે જીવો કુમત અને કુશ્રુતના પ્રશંસક
છે, તથા શીલ–વ્રત જ્ઞાનથી રહિત છે તેઓ આરાધક નથી.
૧પ. જે મનુષ્ય યૌવન–લાવણ્ય અને કાંતિથી શોભાયમાન છે તથા સુંદર રૂપ વડે
ગર્વિત છે, પણ જો શીલગુણથી રહિત છે તો તેનો મનુષ્યજન્મ નિરર્થક છે.
૧૬. વ્યાકરણ–છંદ–વૈશેષિક–વ્યવહાર–ન્યાયશાસ્ત્રો જાણીને, તેમ જ જિનવાણીરૂપ
શ્રુતને જાણીને પણ, તે શ્રુતમાં શીલ જ ઉત્તમ છે. (અર્થાત્ શીલસહિત શ્રુત હોય
તે જ ઉત્તમ છે.)
૧૭. જે શીલગુણથી મંડિત હોય તે દેવોને તેમ જ ભવ્યજીવોને વહાલો લાગે છે, દુઃશીલ
જીવ પ્રચુર શ્રુતનો પારગામી હોય તોપણ લોકમાં તે અપ્રિય છે, હલકો છે.
૧૮. સર્વેથી જે પરિહીન છે, રૂપ જેનું વિરૂપ છે અર્થાત્ કદરૂપ છે, સુવય જેની વીતી
ગઈ છે અર્થાત્ વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, પરંતુ શીલ જેનું સુશીલ છે–તેનું
મનુષ્યજીવન ઉત્તમ છે, પ્રશંસનીય છે.
૧૯. જીવદયા, ઇંદ્રિયદમન, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન તેમ જ
તપ–એ બધા શીલનો પરિવાર છે.
૨૦. શીલ છે તે જ વિશુદ્ધ તપ છે, તે જ દર્શનશુદ્ધિ છે, તે જ જ્ઞાનશુદ્ધિ છે; વળી શીલ
તે વિષયોનો શત્રુ છે અને શીલ તે મોક્ષનું સોપાન છે.
૨૧. જેમ, સ્થાવર કે જંગમ એવા તીવ્રવિષ વડે પ્રાણોઓનો વિનાશ થાય છે તેમ
વિષયલુબ્ધ પ્રાણી તો સર્વસ્વનો વિનાશ કરે છે, માટે વિષ કરતાં પણ વિષયરૂપી
વિષ વધુ દારૂણ છે.
૨૨. સર્પાદિકના વિષની વેદનાથી હણાયલો જીવ તો આ જન્મમાં એક જ વાર મરણ
પામે છે, પરંતુ વિષયરૂપી વિષથી અત્યંત હણાયેલો જીવ ઘોર સંસાર વનમાં
ભમતો થકો અનંતવાર મરે છે.
૨૩. વિષયાસક્ત જીવો નરકમાં વેદના પામે છે, તિર્યંચમાં તથા મનુષ્યમાં પણ દુઃખો
પામે છે, અને દેવલોકમાં પણ તે દુર્ભાગ્યને પામે છે.