: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૪૧ :
પત્ર લખે છે કે– દરમહિને આત્મધર્મ વાંચી આનંદ થાય છે. આ વખતે અંક
મળ્યો ત્યારે, આ ક્ષણભંગુર દેહની પર્યાયમાં અનેરો પરિવર્તન હતો! (–કચ્છી
ભાષા છે.) જડ દેહથી ભિન્ન જ્ઞાનપિંડલો એવા આત્માનો જે બોધ ગુરુદેવે
આપ્યો છે તેનો વારંવાર વિચાર આવે છે. આ જડ શરીર પારકું દ્રવ્ય છે તે તારું
નથી. આત્મધર્મનું ૩૨૨ મું અંક ખૂબ થનગનાટ કરાવી ગયું...તે વાંચતાં રોમ
રોમ ખડા થઈ જાય છે. દ્રવ્યમાં સૂપ્ત પર્યાયો જાગૃતી પામે છે...પરાઙ્મુખ ભાવો
દુઃખરૂપ લાગે છે ને આનંદધામ આત્મામાં ઝણઝણાટ પ્રગટાવવાનો પુરુષાર્થ
કરવાનું અદ્ભુત સીગ્નલ (નિશાન) મળે છે. અહો, ગુરુદેવનો અનંત ઉપકાર છે.
• ખૈરાગઢ (મધ્યપ્રદેશ) માં જૈન–પાઠશાળા ચાલુ થઈ છે, ને ત્રીસ જેટલા બાળકો
ઉત્સાહથી ભણે છે. દૂરદૂરના નાનાં ગામોમાં પણ પાઠશાળા ચાલુ થાય છે–તો
સૌરાષ્ટ્ર ક્યારે જાગશે?
• ૩૬ વર્ષ પહેલાંની વાત છે: રાજકોટના એક ભાઈ જેઓ તે જમાનામાં
રાજકોટમાં સ્થા. જૈનશાળાના શિક્ષક હતા, તેઓ હાલમાં કલકત્તાથી લખે છે કે
તે વખતે પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં હાજરી આપવાને કારણે મારો ખુલાસો
માગવામાં આવ્યો હતો ને મારે શિક્ષકમાંથી રાજીનામું આપવું પડેલ હતું! (ક્યાં
એ જમાનો! ને ક્યાં આજની પરિસ્થિતિ!) ગુરુદેવ તો સુવર્ણપુરીમાં બેઠાબેઠા
આત્માના રત્નોનો વેપાર કરી રહ્યા છે. આત્મા આ દેહથી જુદો જ છે–તે વાત
તો ગુરુદેવે જ બતાવી. (–જે શિક્ષકે પોતે જ દેહથી ભિન્ન આત્માની વાત જાણી
ન હતી તે શિક્ષક પાસેથી વિદ્યાર્થીને જૈનધર્મનું સાચું જ્ઞાન ક્યાંથી મળે? અને જે
સમાજના શિક્ષક દેહથી ભિન્ન આત્માની વાત સાંભળવા પણ ન જઈ શકે–તે
સમાજમાં આત્મિકજ્ઞાનનો પ્રચાર તો ક્્યાંથી હોય?) વિશેષમાં તેઓ લખે છે કે
ગુરુદેવ તો પંચમકાળનું કલ્પવૃક્ષ છે; તેનો જે લાભ લેશે ને આત્માને ઓળખશે
તેણે એકાદ બે ભવ બાદ માતાને પેટે અવતાર નહીં લેવો પડે. માટે જલ્દી
ચાલો!–ક્યાં? સોનગઢ! ભલે કોઈ રેતીમાંથી સોનું બનાવે, પણ આ તો જડ
દેહથી આત્માને જુદો પાડીને પરમાત્મા બનાવે છે. આવો સુવર્ણ અવસર ચુકશો
તો પસ્તાવાનો કોઈ પાર નહીં રહે. અંતરમાં ચૈતન્યનો ભરપૂર ખજાનો છે તેની
ચાવી ગુરુદેવ બતાવે છે. એ ચૈતન્ય ખજાનાના દર્શન થતાં તેની પાસે જગતની
કોઈ ચીજ કે કોઈ વૈભવ કાંઈ વીસાતમાં નથી. ગુરુદેવનો ઘણો જ અસીમ
ઉપકાર છે.
(– શાં. કે. શાહ)