: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૪૭ :
તેથી તે મુક્ત જ છે–એમ કહેવામાં આવ્યું છે. સ્વદ્રવ્યના સ્વભાવને લક્ષમાં લઈને સમજે
તેને જ આ સમજાય તેવું છે. અહા, જેમ ભગવાન એકલા જ્ઞાયકભાવપણે જ પરિણમે છે
તેમ સાધકજ્ઞાની પણ પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાનભાવમાં જ તન્મયપણે
પરિણમે છે; તેમાં રાગનું કર્તૃત્વ જરાય નથી.
જુઓ, આ જીવની પ્રભુતા! પ્રભુ! તારી પ્રભુતા તારા જ્ઞાયક–સ્વભાવના
અવલંબનમાં છે, અજીવના અવલંબનમાં તારી પ્રભુતા નથી, તેમાં તો તારી પરાધીનતા
છે. રાગ પરિણામમાંય તારી પ્રભુતા નથી, તારા જ્ઞાયકભાવના પરિણમનમાં જ તારી
પ્રભુતા છે. પર્યાયે–પર્યાયે અખંડ પ્રભુતા વર્તી રહી છે તેને તું દેખ?–કેમકે દરેક પર્યાયમાં
સ્વદ્રવ્ય જ તન્મયપણે વર્તી રહ્યું છે. એક્કેય પર્યાય સ્વદ્રવ્યને છોડીને થતી નથી. આમ
ધર્મી સ્વદ્રવ્યની સન્મુખતાથી નિર્મળ જ્ઞાનને જ કરે છે. જ્ઞાન કહેતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર બધી નિર્મળપર્યાયો સમજવી.
હે ભાઈ! એકવાર તું સ્વભાવસન્મુખ થા, ને જ્ઞાયકસ્વભાવને પ્રતીતમાં લઈને
તારા શ્રદ્ધા–જ્ઞાનને સાચા બનાવ. ઉપયોગને અંતરમાં વાળીને ‘હું જ્ઞાયક છું’ એવું
જ્યાંસુધી વેદન ન થાય ત્યાંસુધી સમ્યગ્દર્શન થાય નહિ ને ઊંધી માન્યતા મટે નહીં.
જ્ઞાનને અંતરમાં વાળીને આત્મામાં એકાગ્ર કર્યું ત્યાં તે જ્ઞાનપર્યાય રાગથી જુદી
પરિણમી, તેમાં મોક્ષમાર્ગ આવી ગયો; ને જૈનશાસનનો સાર તેમાં સમાઈ ગયો.
*****
• પર્યાયને સ્વદ્રવ્ય સાથે તન્મયતા થતાં તે પર્યાયમાં નિર્મળ જ્ઞાન ને
આનંદ થાય પણ રાગ–દ્વેષ ન થાય. કેમકે આત્માના સ્વભાવમાં રાગ–
દ્વેષ નથી.
• પરચીજમાં આત્માના ગુણ નથી એટલે પરચીજ આત્માને ગુણ આપતી
નથી, માટે પરચીજ ઉપર એકત્વબુદ્ધિથી રાગ ધર્મીને થતો નથી.
• રાગ તે કાંઈ જીવનો જ્ઞાનભાવ નથી. જ્ઞાનભાવ તે જ જીવ છે, તેમાં
રાગ નથી; રાગ તે અજ્ઞાનમય ભાવ છે, તે જ્ઞાનમય નથી.
• ધર્મીની દ્રષ્ટિ જ્ઞાનમય આત્મામાં છે તેથી તેની પર્યાયો પણ જ્ઞાનમય જ
છે; એટલે તે ‘ધર્મીના દ્રવ્યમાં––ગુણમાં કે પર્યાયમાં’ ક્યાંય રાગ નથી.
• બહારમાં પરદ્રવ્યમાં ફાં–ફાં મારવાનું છોડ અને સીધો તારા
જ્ઞાનસ્વભાવમાં ઘૂસીને તેને અનુભવમાં લે,–એ સિવાય ક્યાંય આરો
આવે તેમ નથી.