સોનગઢના એક બ્રહ્મચારી બહેનનો સ્વર્ગવાસ–
સોનગઢના બ્રહ્મચારી બેન રમાબેન રામજીભાઈ
કોઠારી આસો સુદ પાંચમના રોજ ત્રીસ વર્ષની વયે
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ મૂળ માળીયા (હાટીના)
ના રહીશ હતા, ને તપસીજીના ભત્રીજી થાય. નાની
ઉંમરથી તેઓ સોનગઢ રહેતા હતા. ગુરુદેવ સાથેના
યાત્રાસંઘમાં દરેક વખતે સાથે રહીને બધા તીર્થોની યાત્રા
તેમણે કરી હતી; સં. ૨૦૧પ માં તેમણે ગુરુદેવ પાસે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી, ને તેઓ
સોનગઢ–બ્રહ્મચર્યાશ્રમમાં રહેતા હતા. અનેક વર્ષોથી
સંતોની છાયામાં તેમણે જ્ઞાન–વૈરાગ્યના સંસ્કારો મેળવ્યા હતા. છેલ્લા દિવસોમાં તેઓ
‘ભગવતી આરાધના’ વાંચતા હતા, ને તેમાં સમાધિમરણનું વર્ણન વાંચીને તેની
ભાવના કરતા હતા. ‘ભગવતી આરાધના વાંચતાં વાંચતાં સમાધિમરણ થાય છે’ એવું
સ્વપ્નુંં પણ તેમને અગાઉ આવેલું.
આસો સુદ ચોથની સવારમાં કીડનીના વિશેષ દર્દથી તેમને બેશુદ્ધી થઈ ગઈ
હતી; તે વખતે પૂ. ગુરુદેવ પણ ત્યાં પધાર્યા હતા. દરદની ગંભીરતા જણાતાં તેમને
ભાવનગર–ઈસ્પિતાલમાં લઈ જવાયા હતા. પાંચમની સવારમાં તેઓ શુદ્ધીમાં આવી
ગયા હતા, ને સાથેના બ્રહ્મચારી બહેનો સાથે ધર્મની વાતચીત પણ કરી હતી. ગુરુદેવનું
પ્રવચન સાંભળવાની, તેમ જ પૂ. ધર્મમાતાઓનું વાંચન સાંભળવાની ભાવના કરી હતી.
તેમની તબીયત ગંભીર જણાતાં બ્રહ્મચારીબેનોએ ઠેઠ સુધી ઉત્તમ ધર્મશ્રવણ કરાવ્યું હતું.
તે સાંભળતાં–સાંભળતાં રમાબેન સ્વર્ગવાસ પામી ગયા હતા.
તેમના અંતિમ સંસ્કાર સોનગઢમાં કરવામાં આવ્યા હતા. ખૂબ જ કરૂણ અને
વૈરાગ્યગંભીર વાતાવરણ વચ્ચે, આશ્રમના બહેનોએ આંસુભીની આંખે પોતાની સાધર્મી
બેનને અંતિમ વિદાય આપી હતી.
બ્ર. રમાબેન સરલ અને ભદ્રિક હતા; અનેક વર્ષ સુધી ગુરુદેવના ઉપદેશનું તેમણે
શ્રવણ કર્યું હતું, તેમજ ધર્મમાતા પૂ. બેનશ્રી–બેનની મંગલ છત્રછાયામાં રહીને જ્ઞાન–
વૈરાગ્યના ઉત્તમ સંસ્કારો મેળવ્યા હતા. તે સંસ્કારના બળે આગળ વધીને તેમનો
આત્મા પોતાની આત્મહિતની ભાવનાઓ પૂરી કરે–એવી ભાવના છે.
(આપ જ્યારે આ વૈરાગ્ય સમાચાર વાંચો ત્યારે દરેક વાંચક, આપણી આ
સ્વર્ગસ્થ બ્રહ્મચારી બહેન પ્રત્યે અંજલિરૂપે નવ નમોક્કારમંત્રનો જાપ કરજો.)
–બ્ર. હ. જૈન.