“પ્રભુજી! તારા પગલે–પગલે મારે આવવું રે......”
ઋષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની,
શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની.
આ ભારતવર્ષમાં પૂર્વે શ્રી ઋષભદેવથી માંડીને વર્દ્ધમાન સુધીના
ચોવીસ તીર્થંકર પરમદેવો–કે જેઓ સર્વજ્ઞ વીતરાગ, ત્રિલોકવર્તી કીર્તિવાળા
મહા દેવાધિદેવ પરમેશ્વર હતા, તેઓ બધાય નિજ–આત્મા સાથે સંબંધ
રાખનારી શુદ્ધ નિશ્ચયયોગની ઉત્તમ ભક્તિ કરીને પરમ નિર્વાણને પામ્યા,
ને અત્યંત આનંદરૂપી પરમ સુધારસ વડે પરિતૃપ્ત થયા. માટે હે પ્રગટ
ભવ્યત્વગુણવાળા મહાજનો! તમે નિજાત્માને પરમ વીતરાગ સુખ દેનારી
એવી તે યોગભક્તિ કરો.
હે વીરનાથ! સમ્યગ્જ્ઞાનરૂપી નૌકામાં આરોહણ કરીને આપ
ભવસાગરને ઓળંગી ગયા ને ઝડપથી શાશ્વતપુરી એવા સિદ્ધાલયમાં
પહોંચ્યા, હે જિનનાથ! હવે હું પણ આપના જ માર્ગે તે શાશ્વતપુરીમાં
આવું છું. આ લોકમાં ઉત્તમ પુરુષોને જિનમાર્ગ સિવાય બીજું શું શરણ છે?