સ્વભાવમાં નિયતરૂપ વીતરાગી મોક્ષમાર્ગ
* * * * *
મોક્ષને માટે વીતરાગચારિત્રને ભાવવું, રાગને નહીં
શુભ કે અશુભ રાગરૂપ જે પરચારિત્ર છે તે બંધનું જ કારણ છે, એટલે તે
બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી–એમ ભગવાન જિનેન્દ્રદેવે કહ્યું છે.
–તે બંધમાર્ગથી કેમ છૂટાય?
–તો કહે છે કે, કોઈ પણ પ્રકારે સમ્યગ્જ્ઞાન–જ્યોતિ પ્રગટ કરીને જીવે પરસમયને
છોડવો ને સ્વસમયને ગ્રહણ કરવો. તેનાથી કર્મબંધન છૂટે છે. સમ્યગ્દર્શનમાં પણ રાગ
વગરના સ્વસમયનું ગ્રહણ છે ને રાગરૂપ પરસમયનો ત્યાગ છે.
જીવસ્વભાવ જ્ઞાનદર્શનમય છે; તે સ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે.
સમ્યગ્દર્શન પણ જીવસ્વભાવમાં નિયત છે, સમ્યગ્જ્ઞાન પણ જીવ સ્વભાવમાં નિયત છે,
સમ્યક્ચારિત્ર પણ જીવસ્વભાવમાં નિયત છે. આ રીતે સ્વભાવમાં તન્માત્રપણે વર્તવું તે
ચારિત્ર છે. વીતરાગતામાં વર્તવું તે ચારિત્ર છે અને અશુભ કે શુભ રાગમાં વર્તવું તે
ચારિત્રથી ભ્રષ્ટપણું છે. મોક્ષના કારણરૂપ ચારિત્ર તે શુભરાગથી ભિન્ન છે. લોકો
શુભરાગને ચારિત્ર અને મોક્ષમાર્ગ માની રહ્યા છે તે અનાદિની ભ્રમણા છે. સમ્યગ્દ્રષ્ટિને
કે મુનિને પણ જે શુભરાગ છે તે કાંઈ મોક્ષના કારણરૂપ ચારિત્ર નથી, તે તો આસ્રવના
કારણરૂપ પરચારિત્ર છે; એટલે તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી–એમ જિનભગવાને
કહ્યું છે.
બંધનું જે કારણ છે તે મોક્ષનું કારણ કદી ન હોય. શુભરાગને બંધનું કારણ કહેવું
ને તેને વળી મોક્ષમાર્ગ માનવો એ વાત પરસ્પર વિરુદ્ધ છે. તેને ઉપચારથી મોક્ષમાર્ગ
કહ્યો હોય તો તે ખરેખર મોક્ષમાર્ગ નથી એમ જાણવું.
અરેરે, મોક્ષના કારણરૂપ શુદ્ધ વીતરાગચારિત્રને જાણ્યા વગર, રાગને મોક્ષનું
સાધન માનીને અનંતકાળ અત્યારસુધી મિથ્યાત્વ અને રાગાદિમાં જ લીનપણે
વીત્યો,.....હવે તો સ્વભાવમાં નિયત એવા વીતરાગચારિત્રની જ નિરંતર ભાવના કરવા
જેવી છે.