ચિંતા રહેતી નથી. તેમ હે સર્વજ્ઞ પરમાત્મા! મેં તમને ઓળખીને તમારો આશ્રય લીધો,
એટલે કે અંતરમાં આપે કહેલા મારા સ્વભાવનો આશ્રય લીધો ત્યાં હવે અમને કોઈ
ચિંતા નથી, ભવનો હવે અભાવ થયો, સિદ્ધપદ તો અમારા સ્વભાવમાં ભર્યું છે;–ને
એવા મોટા સ્વભાવને અનુભવમાં લીધો તો હવે કોઈ ચિંતા ક્્યાં રહી? જે મેળવવાનું
હતું તે તો અમારા સ્વભાવમાં જ છે, –પછી ચિન્તા શેની? અને જ્યાં આવો મોટો
સ્વભાવ પોતામાં દેખીને તેનો આશ્રય લીધો ત્યાં પરને, રાગને ને નાની એવી ક્ષણિક
પર્યાયની સામે કોણ જુએ? –તેનો આશ્રય કોણ લ્યે? ભાઈ, બહારના જડવૈભવમાં તો
તારું કાંઈ નથી; તારો અનંત આત્મવૈભવ તારામાં જ છે. તેને તું જાણ...તેનો અનુભવ
કરીને અપૂર્વ આનંદની કમાણી કર. અરે જીવ! તને કમાણી કરતાં આવડતી નથી. ખરી
કમાણીનું સ્થાન તો તારા આત્મામાં છે. બહારમાં કાંઈ કમાણી નથી, તેમાં તો
અશુદ્ધભાવને લીધે નુકશાન છે, દુઃખ છે, ખોટનો ધંધો છે. સાચી કમાણીનો ધંધો તો એ
છે કે ઉપયોગના વેપારને પોતાના આત્મસ્વભાવમાં જોડવો, –તેમાં અનંત આનંદના
વૈભવની કમાણીનો અપૂર્વ લાભ છે.
શાસ્ત્રનું સાચું જ્ઞાન શુદ્ધભાવ વડે જ થાય છે. અશુભ કે શુભરાગનો ભાવ તે તો
મલિન–અશુદ્ધભાવ છે, તેના વડે કાંઈ સાચું સ્વરૂપ ઓળખાતું નથી. પોતાના સ્વરૂપની
સામે જુએ ત્યારે પોતાનું સાચું જ્ઞાન થાય, અને ભગવાનની સાચી ઓળખાણ પણ
ત્યારે જ થાય. પોતાની સામે જોયા વગર ભગવાનની પણ સાચી ઓળખાણ થાય નહીં.
ભગવાનની આજ્ઞા એવી છે કે હે જીવ! તું અમારી સામે નહિ પણ તારા સ્વભાવની
સામે જો...તારા સ્વભાવનો આશ્રય લે ત્યારે જ તને અમારી ઓળખાણ થશે.....ને ત્યારે
જ અમારી આજ્ઞાનું ખરૂં પાલન થશે.
એમ કહ્યું છે કે તું સ્વદ્રવ્યનો આશ્રય કરજે ને પરનો આશ્રય છોડજે; કેમકે સ્વદ્રવ્યના જ
આશ્રયે મોક્ષ છે, ને પરદ્રવ્યના આશ્રયે સંસાર છે. –આવો સ્વદ્રવ્યના આશ્રયરૂપ
તીર્થંકરોનો માર્ગ છે.