શરણરૂપ એવા તારા ચિદાનંદ સ્વભાવના શરણે જા. તેના શરણે સર્વ દુઃખોનો નાશ, ને
આનંદની ઉત્પત્તિરૂપ મંગળ થાય છે. અંતર્મુખ થઈને આત્માની આવી આરાધના કરવી
તે જ સાચી વીરતા છે. પંચપરમેષ્ઠી ભગવંતો આત્માને સાધવામાં શૂરવીર છે; અને
આત્માની આરાધનારૂપ જે મોક્ષમાર્ગ તેમાં તે પંચપરમેષ્ઠી ભગવંતો નાયક છે. આમ
ઓળખીને હે જીવ! તું પંચપરમેષ્ઠી પરમગુરુને તેમ જ તેમના જેવા પોતાના
શુદ્ધઆત્મસ્વરૂપને અંતરમાં ધ્યાવ–એમ ભગવાનનો ઉપદેશ છે. ભાવશુદ્ધિનો ઉપદેશ
આપતાં આચાર્યદેવ કહે છે કે હે જીવ! ધર્મની આરાધનાના પંથમાં અગ્રેસર થઈને જેઓ
મોક્ષમાર્ગે આગળ ગયા એવા પંચપરમેષ્ઠીનું તું ધ્યાન કર. તેઓ ધર્મની આરાધનાના
નાયકો છે, ધર્મના પંથમાં આગળ ચાલનારા છે; તેમના શુદ્ધસ્વરૂપને જાણીને તેનું ધ્યાન
કર. તેમના જેવા શુદ્ધસ્વરૂપનું ધ્યાન કર.
વધેલા ધર્માત્માઓની આરાધનાનું વર્ણન સાંભળીને આરાધના પ્રત્યે ઉત્સાહિત થાય છે;
પ્રેમથી–આદરથી તે આરાધક–ધર્માત્માની વાત સાંભળે છે. ભગવંત પંચપરમેષ્ઠીમાંથી
અર્હંત અને સિદ્ધ તો આરાધના પૂર્ણ કરીને સ્વયં આરાધ્ય થઈ ગયા છે, ને આચાર્યાદિક
આરાધનાના પંથમાં અગ્રેસર છે. આવા પંચપરમેષ્ઠીના સ્વરૂપનું ચિંતન કરતાં
ભાવશુદ્ધિ થાય છે. અહા! અરિહંતો–સિદ્ધો અને સાધુઓ મોક્ષમાર્ગમાં અગ્રેસરપણે
આગળ આગળ ચાલ્યા જાય છે, અને જગતના જીવોને તે મુક્તિના માર્ગે દોરી રહ્યા છે;
તેમના સ્વરૂપના ધ્યાનથી સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર વગેરેનું સ્વરૂપ બરાબર
સમજાય છે, એટલે ભેદજ્ઞાન થઈને મોક્ષમાર્ગ પ્રગટે છે. જગતમાં મંગલરૂપ તો આવા
પરમેષ્ઠીપદ છે. તે જ ઉત્તમ છે. આરાધનાના નાયક આ પંચપરમેષ્ઠી ભગવંતો વીર છે,
વીરતાવડે તેઓ કર્મને જીતનારા છે. શુદ્ધસ્વભાવ તરફ વળીને જ શુદ્ધઆત્માનું ધ્યાન
થાય છે. જેમ કેવળી ભગવાનની સ્તુતિ જ્ઞાયકસ્વભાવના અનુભવથી થાય છે, તેમ
પંચપરમેષ્ઠીનું ધ્યાન પણ શુદ્ધાત્માની સન્મુખતાથી જ થાય છે.–આવા ધ્યાનવડે
સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, માટે તેનો ઉપદેશ છે. આ રીતે જેણે સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ
પ્રગટ કરી તેઓ જ કલ્યાણ–સુખની પરંપરાને પામે છે. માટે હે જીવ! તું ઉદ્યમવડે આવી
ભાવશુદ્ધિ પ્રગટ કર.