અરિહંતપ્રભુના આત્માની જેને ઓળખાણ થાય તેને તો પોતાના આત્મામાં અનંત
આત્મગુણોનો વૈભવ દેખાય છે; તેનું વર્ણન આ સમયસારમાં છે. એવા અરિહંત
પરમાત્મા સીમંધર ભગવાન, વગેરે અત્યારે મનુષ્યલોકમાં વિદેહક્ષેત્રમાં બિરાજી રહ્યા
છે. તે અરિહંત ભગવાન જ્યારે શરીર રહિત થઈ જાય ત્યારે સિદ્ધ કહેવાય છે. આવું
અરિહંતપણું ને સિદ્ધપણું ચૈતન્યના પાતાળમાં રહેલું છે; અંદર ચૈતન્યનું ઊંડું પાતાળ
ફોડીને જે જ્ઞાનપરિણતિ પ્રગટી તે ધર્મ છે. ભાઈ, શરીરમાં ને રાગમાં કાંઈ ધર્મ નથી;
ધર્મ તો ચૈતન્યના પાતાળમાં ઊંડે–ઊંડે છે. અંતરની દ્રષ્ટિ વડે તે પ્રગટે છે. આવા
આત્માનું શ્રવણ કરીને તેની સન્મુખતા કરવી તે પણ અપૂર્વભાવ છે. આત્માનો જે
સર્વજ્ઞ સ્વભાવ, તેની સન્મુખ થતાં તે તરંગ ઊઠે તેમાં અનંત આનંદ છે. ચૈતન્યના
તરંગ આનંદ સહિત હોય છે; તેમાં રાગનો અનુભવ નથી.
આત્માની સત્તા, આત્માની પ્રભુતા, આત્માનું સુખ–તેનો સ્વીકાર પોતાના સ્વભાવની
સન્મુખતા વડે જ થાય છે. આવા આત્માના સ્વીકારમાં અનંત સર્વજ્ઞનો સ્વીકાર થાય
છે. સર્વજ્ઞ,–અનંત જેનું જ્ઞાન છે–એવા સર્વજ્ઞ ભગવંતો આ જગતમાં અનંત છે. અનંત
સર્વજ્ઞનો સ્વીકાર કરનાર જ્ઞાનની તાકાત કેટલી? રાગમાં એવી તાકાત નથી, ને
પરસન્મુખથી જ્ઞાનમાંય એવી તાકાત નથી કે સર્વજ્ઞને સ્વીકારી શકે. આત્માના
સ્વભાવની સન્મુખ થયેલા અતીન્દ્રિય જ્ઞાનમાં જ એવી તાકાત છે કે અનંતા સર્વજ્ઞના
અસ્તિત્વનો સ્વીકાર પોતાની એક પર્યાયમાં કરી શકે.
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–અતીન્દ્રિય આનંદ વગેરેનું પરિણમન થયું. સંસારમાર્ગ પલટીને
મોક્ષનો માર્ગ શરૂ થયો. આત્માનો આવો ભાવ પ્રગટ્યો તેની પાસે સ્વર્ગની પણ કાંઈ
કિંમત નથી. સ્વર્ગમાં તો અનંતવાર જઈ આવ્યો પણ આત્માના સ્વરૂપનો જે
નિજ વૈભવ તે કદી જાણ્યો નથી. એવા નિજવૈભવની આ વાત છે, કે જેને ઓળખતાં
પરમ આનંદ સહિત મોક્ષદશા પ્રગટે છે.