ः ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
એક તરફ સંવરદેવ દ્વેષથી ઉપસર્ગ કરી રહ્યો છે; બીજી તરફ ધરણેન્દ્રદેવ તથા
પદ્માવતીદેવી ભક્તિરાગથી સેવા કરી રહ્યા છે, પ્રભુ તો રાગ–દ્વેષ બન્નેથી પાર પોતાની
ચૈતન્યસાધનામાં જ તત્પર છે. એમને નથી સંવર ઉપર દ્વેષ, કે નથી ધરણેન્દ્ર પ્રત્યે રાગ;
બહારમાં શું બની રહ્યું છે તેનું તેમને લક્ષ નથી. બહારમાં પાણીનો ધોધ વરસે છે તો
પ્રભુના અંતરમાં ચૈતન્યના આનંદનો સાગર ઊછળી રહ્યો છે.
વહાલા વાંચક! અત્યારે ભગવાન ઉપર આવો ઉપસર્ગ દેખીને તને કદાચ એ
કમઠના જીવ ઉપર (સંવરદેવ ઉપર) ક્રોધ આવી જતો હશે! –પણ સબુર! તું એના ઉપર
ક્રોધ ન કરીશ. એ જીવ પણ હમણાં જ સમ્યગ્દર્શન પામીને ધર્માત્મા બનવાનો છે. જે
પારસનાથ ઉપર તે ઉપસર્ગ કરી રહ્યો છે તે જ પારસપ્રભુના શરણમાં આત્માનો
અનુભવ કરીને તે સમ્યગ્દર્શન પામશે; ને ત્યારે તને તેના પ્રત્યે બહુમાન જાગશે કે–
વાહ! ધન્ય તે આત્મા, કે જેણે ક્ષણમાં પરિણામનો પલટો કરીને આત્માનો અનુભવ
કર્યો. પરિણામ ક્ષણમાં પલટાવી શકાય છે. ક્રોધ કાંઈ આત્માનો સ્વભાવ નથી કે તે
કાયમ ટકી રહે! તે ક્રોધથી જુદો જ્ઞાનસ્વરૂપ આત્મા છે. ઉપસર્ગ વખતે પારસનાથે પણ
કાંઈ કમઠના જીવ ઉપર ક્રોધ નહોતો કર્યો;– જો ક્રોધ કર્યો હોત તો તેઓ કેવળજ્ઞાન ન
પામત. આ પ્રસંગદ્વારા મૌનપણે પણ પારસનાથ પ્રભુ એવો ઉપદેશ આપે છે કે હે જીવો!
ઉપસર્ગ કરનારા પ્રત્યે પણ તમે ક્રોધ ન કરશો.....તમે શાંતભાવે તમારી આત્મસાધનામાં
અડોલ રહેજો.
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં;
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.
–આવી અપૂર્વ મુનિદશામાં પ્રભુ વર્તી રહ્યા છે. ધન્ય એમની વીતરાગતા! ધન્ય
એમની આત્મસાધના!
આ બાજુ સંવરદેવ તો, જાણે કે ભગવાનને પાણીમાં ડુબાડી દઉં–એમ ધોધમાર
વરસાદ વરસાવી રહ્યો છે; ધરણેન્દ્ર અને પદ્માવતી અત્યંતભક્તિપૂર્વક પાણીમાં કમળની
રચના કરીને પ્રભુને પાણીથી અદ્ધર રાખે છે, ને ઉપર મોટી ફેણવડે છત્ર રચે છે, અંદર
પરભાવથી અલિપ્ત રહેનારા ભગવાન પાણીથી પણ અલિપ્ત જ રહ્યા.
અહા! ભગવાન તો આત્મસાધનાથી ન ડગ્યા તે ન જ ડગ્યા. સાત–સાત દિવસ
સુધી ઉપસર્ગ કરીને અંતે સંવરદેવ થાક્્યો.....છેવટના ઉપાય તરીકે તેણે ભયંકર ગર્જના
સાથે વીજળીનો કડાકો કર્યો. બહારમાં વીજળીનો ઝબકારો થયો.....બરાબર એ જ વખતે
પ્રભુના અંતરમાં કેવળજ્ઞાનની દિવ્ય વીજળી ત્રણલોકને પ્રકાશતી ઝળકી ઊઠી! એકાએક
બધાય ઉપસર્ગ અલોપ થઈ ગયા ને સર્વત્ર આનંદ–આનંદ છવાઈ ગયો.