ः ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
અનંતા જીવો આત્માને
જાણી–જાણીને મોક્ષ પામ્યા છે
તું પણ સમજવા માટે
નિરંતર–ધૂન લગાડ.
(ગઢડા : માહ સુદ ૯ તથા ૧૦ (૨૪૯૭) સ. ગા. ૩૮)
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
ધર્માત્માને પોતાના આત્માનો કેવો અનુભવ થયો તેનું વર્ણન આ ગાથામાં છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા જ સર્વજ્ઞસ્વભાવી પરમેશ્વર છે; રાગ–દ્વેષથી
વિરક્ત એવો જે જ્ઞાનસ્વભાવ છે તેનું ભાન કરીને, તેમાં એકાગ્રતા વડે આત્મા પોતે
પરમેશ્વર થાય છે. એ સિવાય બીજો કોઈ ઈશ્વર આ આત્માને કંઈ આપી દ્યે–એમ નથી.
અરે, પોતામાં આનંદનાં ને જ્ઞાનનાં નિધાન ભર્યા છે પણ જીવ પોતે પોતાને
ભૂલી ગયો છે. સુખની પ્રાપ્તિ તો અંતરના મંથન વડે થાય છે, શરીરના મંથન વડે
સુખની પ્રાપ્તિ થતી નથી. પણ આવા આત્માનું ભાન ભૂલીને અજ્ઞાની અનાદિથી ઉત્મત્ત
વર્તે છે. મોહને લીધે સ્વ–પરની ભિન્નતાનું ભાન ભૂલ્યો છે. અહીં તો હવે જેણે
આત્માનું ભાન કર્યું છે. એવા ધર્મીની વાત છે. તે જાણે છે કે અહા! મારો પ્રભુ તો
મારામાં છે, મારો આત્મા જ પોતાની પ્રભુતા સહિત છે. ચામડાના વીંટાથી ચૈતન્યપ્રભુને
ઓળખવો તે તો મુર્ખાઈ છે. મોહથી ઉન્મત જીવે પોતાની પ્રભુતાને ભૂલીને શુભ–અશુભ
બધા ભાવો કર્યા છે, પણ અતીન્દ્રિય આનંદની ખાણ તો પોતામાં ભરી છે તેનો
અનુભવ કદી નથી કર્યો. ભાઈ! અજ્ઞાનરૂપી અંધકારમાં શોધ્યે તારો આત્મા નહીં મળે;
જ્ઞાનના પ્રકાશમાં શોધ તો જ આત્મા મળશે.
અવસ્થામાં અજ્ઞાન છે, તે અજ્ઞાનદશા જીવની પોતાની છે. અને જીવ પોતે જ
સાચી સમજણ વડે તે અજ્ઞાનદશા દૂર કરીને, પોતાની પ્રભુતાને અનુભવે છે. –આવી બે
પ્રકારની દશાઓ જીવમાં થાય છે; તેમાં અજ્ઞાનદશા છોડીને જ્ઞાની થયેલા જીવે પોતાના
આત્માનો કેવો અનુભવ કર્યો–તેની આ વાત છે. ભગવાન આત્મામાં એવો ચમત્કારિક
પરચો છે કે એમાં નજર કરતાં જ પરમ આનંદ થાય છે. જગતના બીજા કોઈ પદાર્થમાં
એવો પરચો નથી. આવા આત્માનો અનુભવ કરતાં મોક્ષમાર્ગ ખુલે છે.