Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 69

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
આત્મા દેહથી જુદો અનાદિનો જ્ઞાન–આનંદસ્વરૂપ છે; અજ્ઞાનને લીધે
આત્માને પોતાના આનંદની ખબર નથી, છતાંપણ તે પોતે આનંદથી ભરેલો જ છે;
આનંદસ્વભાવ છે તેનો કાંઈ નાશ થયો નથી. જ્યારે જાગે ને જ્ઞાનચેતનારૂપ
થઈને અંતરમાં દેખે ત્યારે પોતાના આનંદનો અનુભવ થાય છે. –આવો અનુભવ
હે જીવ! તું આજે જ કર.
આત્મા સદાય જ્ઞાનસ્વરૂપે પ્રકાશમાન છે; રસિક જનોને આવો આત્મા
રુચિકર છે–વહાલો છે. હે જીવ! તું સર્વ તરફથી પ્રકાશમાન એવા જ્ઞાનસ્વરૂપને
અનુભવમાં લે. જ્ઞાન જ આત્માનો સમ્યક્ સ્વભાવ છે; રાગ કાંઈ આત્માનો
સ્વભાવ નથી; તે તો પરભાવ છે, ને દેહ તો જડ છે. બાપુ! હવે તે પરભાવોના
વેદનને રહેવા દે, ને તારા આનંદસ્વભાવના સ્વાદને ચાખ. આવા આત્માને
દેખતાંવેંત તારો અનાદિનો મોહ છૂટી જશે, ને આત્માની અનુભવદશા વડે
મોક્ષપંથ પ્રગટ થશે. આ મહાવીરનો માર્ગ છે, ને આ જ મહાવીરનો ઉપદેશ છે.
ભગવાન મહાવીર આવા માર્ગે મોક્ષ પધાર્યા ને જગતને માટે પણ આવો જ
મોક્ષમાર્ગ બતાવ્યો. જે જીવ આવો માર્ગ સમજીને પોતામાં પ્રગટ કરે તેનો અવતાર
સફળ છે; તેણે મહાવીર ભગવાનને ખરેખર ઓળખીને તેમનો મહોત્સવ ઉજવ્યો.
અને તેણે પોતામાં મહાવીરના વીતરાગ માર્ગને પ્રસિદ્ધ કર્યો.
અહા, આવું પરમ ચૈતન્યતત્વ! –તેમાં જડનો પ્રવેશ નથી, રાગાદિ
પરભાવનો પ્રવેશ નથી, ભેદના વિકલ્પનો પ્રવેશ નથી, એ તો બધા તેનાથી બહાર
ને બહાર રહે છે; અંતરના ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેતાં પરમ આનંદરૂપ
આત્મા અનુભવમાં આવે છે. આવો અનુભવ તે ભવચક્રથી છૂટવાનો ઉપાય છે.
આવો મોંઘો મનુષ્યભવ મળ્‌યો તો ભવના અભાવનો ભાવ પ્રગટ કર. તું
અનાદિથી અજ્ઞાનને લીધે ક્ષણેક્ષણે ભયંકર ભાવમરણ કરી રહ્યો છે ને દુઃખી થઈ
રહ્યો છે, તો હવે અંતરમાં વિચાર તો કર કે આત્માનું ખરૂં સ્વરૂપ શું છે? આ
દેહની તો રાખ થશે, તે રાખથી ભિન્ન ચૈતન્યતત્ત્વ પોતે કોણ છે તેને જરાક
લક્ષમાં તો લે! શીઘ્ર–ત્વરાથી આત્માને ઓળખ, તેમાં પ્રમાદ ન કર. પ્રમાદ કરીશ
તો આ મોંઘો અવસર ચાલ્યો જશે.
અહા, મહાવીર ભગવાને જન્મીને આત્માના પરમાત્મપદને સાધ્યું, કેવા
આત્માની સાધના કરી–તેનું આ વર્ણન છે. બાપુ! તારા અંતરમાં પણ આવું જ