Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page  


PDF/HTML Page 69 of 69

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 187
દીર્ઘસૂત્રી મનુષ્ય આત્મહિતને ચૂકી જાય છે
દીર્ઘસૂત્રી મનુષ્યો બાહ્ય વિષયોના અનેક પ્રકારે સંકલ્પ–વિકલ્પો
કર્યા કરે છે, ને પ્રમાદથી આત્મહિતને ચૂકી જાય છે. પદ્મપુરાણમાં
ભામંડલની મનોવૃત્તિ તેનું ઉદાહરણ છે. તે ભામંડળ રાજા એમ વિચારે છે
કે–મેં આ શરીરને સુખેથી પાળ્‌યું છે તેથી હજી થોડા દિવસ રાજ્યસુખ
ભોગવી લઉં; કલ્યાણના કારણરૂપ એવી ચારિત્રદશાને પછી ધારણ કરીશ.
આ કામ–ભોગ છોડવા કઠણ છે, તેનાથી મને જે પાપ બંધાશે તેને હું પછી
ધ્યાન–અગ્નિવડે પળવારમાં ભસ્મ કરી નાંખીશ. –એ પ્રકારના મનોરથ
ઘડતાં–ઘડતાં તે ભામંડલે સેંકડો વર્ષો વિષયભોગોમાં વીતાવી
દીધા.....પરંતુ આયુષ્યનો અંત નજીક આવે છે–એનો વિચાર ન કર્યો.
આત્મહિત પછી કરીશ પછી કરીશ–એમ કરતાં, અંતે એકાએક વીજળી
પડવાથી તે સાતખંડા મહેલમાં સૂતાંસૂતાં જ મરણ પામ્યો...પ્રમાદને કારણે
આત્મહિત સાધી ન શક્્યો.
–આ રીતે દીર્ઘસૂત્રી મનુષ્ય બહારનાં અનેક વિકલ્પ કરે છે પરંતુ
પોતાના આત્માના ઉદ્ધારનો ઉપાય નથી કરતો. વિષયતૃષ્ણા પાછળ દોડતો
તે એકક્ષણ પણ ચેન પામતો નથી. માથે મૃત્યુ ભમી રહ્યું છે–તેનું તેને
ભાન નથી. અરે, ક્ષણભંગુર ઈંદ્રિયવિષયોમાં લુબ્ધ થયેલો દુર્બુદ્ધિ જીવ
આત્મહિત કરતો નથી, ને અનેકવિધ કલ્પનાઓ વડે ખરાબ કર્મોને બાંધે
છે. ધન, યુવાની, જીવન–એ બંધુય અસ્થિર છે; તેને અસ્થિર જાણી, ભિન્ન
જાણી તેમાં સુખની કલ્પના છોડી, હે જીવ! તું આત્મકલ્યાણ કર. જેથી
તારો આત્મા ભવસાગરમાં ન ડૂબે. હથેલીમાં આવેલું આ મનુષ્યરત્ન તું
નકામું ગુમાવીશ મા. સમસ્ત લૌકિક કાર્યોને નિરર્થક જાણી, દુઃખરૂપ
ઈન્દ્રિયવિષયોને છોડી પરલોક સુધારવા માટે તું પરમ શ્રદ્ધાપૂર્વક
જિનશાસનને સેવ ને આત્મહિત કર.
(જુઓ, પદ્મપુરાણ પર્વ ૧૧૧)
પ્રકાશક : (સૌરાષ્ટ્ર)
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦