Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 68 of 69

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૬૫ :
રાજકોટમાં મંગલાચરણ
પોરબંદરમાં મંગલ જન્મોત્સવ ઉજવાયા બાદ વૈશાખ સુદ ત્રીજે પૂ. ગુરુદેવ ગોંડલ
પધાર્યા અને ત્યાં બે દિવસ રહીને વૈશાખ સુદ પાંચમના રોજ રાજકોટ શહેર પધાર્યા;
ઉત્સાહપૂર્વક મંગળ સ્વાગત થયું; સીમંધરનાથના દર્શન બાદ ભાવભીના મંગલપ્રવચનમાં
કહ્યું કે–
આત્મા જ્ઞાયકતત્ત્વ છે; ઉપયોગ તેનું લક્ષણ છે, તે ઉપયોગલક્ષણવડે આત્માને
જ્યાં લક્ષમાં લીધો ત્યાં તે ઉપયોગને કોઈ હરણ કરી શકતું નથી. ભગવાન કહે છે કે
જીવનું લક્ષણ ઉપયોગ છે–
सव्वण्हुणाणदिठ्ठो जीवो उवओगलक्खणो णिच्चं।
ભગવાન સર્વજ્ઞદેવે જીવ સદા ઉપયોગલક્ષણ જોયો છે. જે ઉપયોગ અંતરમાં
પોતાના કારણ પરમાત્માને લક્ષ્ય કરે તેને સાચું લક્ષણ કહેવાય છે. જેનું લક્ષણ ઉપયોગ છે
તેના ઉપર લક્ષ કરીને જે ઉપયોગ શુદ્ધ થયો તે કોઈથી હરાતો નથી, દબાતો નથી. તે
ઉપયોગ વચ્ચે ભંગ પાડ્યા વગર પરમાત્મપદને પ્રાપ્ત કરશે.
‘ઉપયોગ’ તેને કહેવાય કે જે પોતાના આત્માને અવલંબે. બહારમાં રાગ
દ્વેષાદિને અવલંબીને જે રોકાય તેને તો અનુપયોગ કહે છે, તેને આત્માનું લક્ષણ નથી
કહેતા. આત્માને જે પકડે તેને જ આત્માનું લક્ષણ કહેવાય, કેમકે લક્ષ્યથી જુદું લક્ષણ રહેતું
નથી. જે ઉપયોગ અંતરમાં વળીને દ્રવ્ય સાથે એક થયો તે ઉપયોગ કદી ફરે નહિ. દ્રવ્યનો
નાશ થાય તો તેનો નાશ થાય. –તે ઉપયોગ કદી હણાય નહિ. આવો અખંડ ઉપયોગ
પ્રગટ્યો તે મંગળ છે, તેમાં હવે ભંગ પડે નહીં. સ્વભાવનો રંગ લાગ્યો ત્યાં હવે વચ્ચે
બીજાનો રંગ આવે નહિ. અનંત ધર્મનો ધણી એવો આત્માનો સ્વભાવ, તેને જ્યાં
ઉપયોગમાં લીધો ત્યાં તે ઉપયોગમાં હવે બીજો ભાવ આવવા ન દઉં. આવો ઉપયોગ પ્રગટ
કરીને હે નાથ! અમે આપના પગલે મોક્ષના માર્ગ ચાલ્યા આવીએ છીએ, આવી અમારા
કૂળની રીત છે. તેમાં વચ્ચે ભંગ પડવાનો નથી. તે ઉપયોગ અપ્રતિહતપણે પરમાત્મપદ
પ્રગટ કરશે. –તે મંગળ છે.
રાજકોટમાં પૂ. ગુરુદેવ ૧પ દિવસ સુધી (તા. ૨૯ એપ્રિલથી ૧૩મે સુધી)
બિરાજવાના છે. સવારે શ્રી નિયમસાર તથા બપોરે સમયસારની ૪૭ શક્તિ ઉપર પ્રવચન
ચાલે છે. રાત્રે તત્ત્વચર્ચા થાય છે.
રાજકોટ પછી સુરેન્દ્રનગર તથા અમદાવાદ થઈને જયપુર પધારશે. રવિવાર તા.
૧૬ ના રોજ ત્યાં સ્વાગત થશે.