: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
પોતાના અનુભવની સાક્ષી સહિત શ્રી મુનિરાજ કહે છે કે–હું આવા આનંદને
અનુભવું છું ને તમને પણ આવા આનંદનો અનુભવ કરવા માટે આમંત્રુ છું. આવો
અનુભવ થઈ શકે છે, માટે તમે તેવો અનુભવ પ્રગટ કરીને તમારી ચૈતન્યસંપદાને
પામો.
શુભ કે અશુભ તે તો બધા વિષવૃક્ષનાં ફળ છે; તેનાથી પાર એવું જે
ચૈતન્યતત્ત્વનું અમૃત છે તેને અમે અનુભવીએ છીએ, અને હે જીવો! તમે પણ આ
સહજ ચૈતન્યઅમૃતને હમણાં જ ભોગવો. વિલંબ ન કરો–આળસ ન કરો, હમણાં જ
અંતર્મુખ થઈને તેને અનુભવો. પોતાનું તત્ત્વ પોતામાં જ છે, –પોતે પોતાના અનુભવમાં
વિલંબ શો? જે જીવ હમણાં જ આવા આત્મતત્ત્વને અનુભવે છે તે અલ્પકાળમાં
મુક્તિને પામે છે, –તેમાં કોઈ સંશય નથી.
અનુભવ કરનાર પોતે પોતાના મુક્તસ્વરૂપને પોતામાં દેખે છે. એટલે મોક્ષને
માટે તેને કોઈ સંદેહ રહેતો નથી. શુભાશુભથી પાર ચૈતન્યના આનંદનો જ્યાં અનુભવ
થયો ત્યાં મોક્ષના આનંદનો નમૂનો આવી ગયો; ને અલ્પકાળમાં સાક્ષાત્ મોક્ષદશા
પ્રગટ કરીને તે પોતે સિદ્ધપરમાત્મા થઈ જશે.
આવો મહાવીર ભગવાનનો માર્ગ છે.
ભગવાન મહાવીરે આત્માના અનુભવ વડે મોક્ષને સાધ્યો........
તમે પણ આજે જ એવો અનુભવ કરો.
–નિઃશંકતા–
આ માર્ગના સેવનથી આત્માને જન્મ–મરણનો અભાવ થશે અને મોક્ષસુખની
પ્રાપ્તિ થશે–એવી નિઃશંકતા પૂર્વક સત્ય માર્ગનો નિર્ણય થવો જોઈએ. સાચો માર્ગ જાણે
અને આવી નિઃશંકતા ન થાય એમ બને નહીં.
– સાચી શ્રદ્ધા–
શુદ્ધાત્માની સન્મુખ શ્રદ્ધા તે જ સાચી શ્રદ્ધા છે. વ્યવહારના પક્ષમાં જે રોકાય છે
તેને સાચી શ્રદ્ધા નથી. શુભ કર્મને જ ધર્મ માનનારા તેઓ મિથ્યાશ્રદ્ધાની છે.