: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
જીવની પર્યાય છે એટલે તેનો કર્તા પણ જીવ છે, ને પુદ્ગલકર્મ તેનું કર્તા ખરેખર
નથી.
હવે જીવની પર્યાયમાં જે વિકાર છે તેનું કર્તૃત્વ પણ તેની પર્યાયમાં જ છે, – અને
એમ જાણવું તે કાંઈ મિથ્યાત્વ નથી, તે તો પર્યાયનું યથાર્થ જ્ઞાન છે.
સાથે મુખ્ય વાત એ છે કે, પર્યાયમાં વિકારનું જે કર્તૃત્વ છે તે જીવનો મૂળ
સ્વભાવ નથી; જીવના મૂળ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવે ત્યારે જીવમાં
રાગાદિ વિકારનું કર્તૃત્વ નથી. તેમજ તે સ્વભાવ તરફ ઝુકેલી જે શુદ્ધપર્યાય છે તે
શુદ્ધપર્યાયમાં પણ રાગાદિનું કર્તૃત્વ નથી. આ રીતે શુદ્ધસ્વભાવને અનુભૂતિમાં લઈને
રાગાદિના અકર્તાપણે પરિણમવું તે ધર્મીનું કાર્ય છે. (અને આ રીતે ધર્મીની દશાનું
રાગથી ભિન્નપણું બતાવવા, તથા તેનું કર્તૃત્વ છોડાવીને શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ કરાવવા તે
રાગાદિનો કર્તા જીવ નથી એમ પણ કહેવાય છે.)
ધર્મીને સાધકભાવ વખતે એક પર્યાયમાં જ્ઞાન અને રાગ બંને પરિણામ એક
સાથે વર્તતા હોય છતાં તેમાં જે જ્ઞાનપરિણતિ છે તેમાં રાગનું કર્તૃત્વ નથી; તે જ્ઞાન
પરિણતિ રાગથી જુદી જ છે – આમ બંનેની ભિન્નતાની સૂક્ષ્મ ઓળખાણ તે અપૂર્વ ભેદ
જ્ઞાન છે. એવા ભેદજ્ઞાનના બળે વીતરાગતા થતાં રાગનું કર્તૃત્વ કોઈ પ્રકારે રહેતું નથી,
રાગ ઉત્પન્ન જ થતો નથી. આ રીતે દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુધર્મને, અને તેમાં સ્વભાવ તથા
વિભાવને બરાબર જાણતાં કોઈપ્રકારે મિથ્યાપણું રહેતું નથી, સમ્યગ્જ્ઞાન થાય છે, ને
જ્ઞાનના બળે વિકાર છૂટીને શુદ્ધતા થતી જાય છે.
(– વિશેષ આવતા અંકે)
રત્નત્રયનો ભક્ત
રત્નત્રયનો જે ભક્ત છે એટલે કે રત્નત્રયનો જે આરાધક છે
તે જીવ પોતાના ગુણધામ આત્માને જ ધ્યાવે છે, આત્માથી ભિન્ન
અન્ય કોઈ પદાર્થને તે ધ્યેયરૂપ માનતો નથી. રત્નત્રયની આરાધના
તો શુદ્ધઆત્માના જ આશ્રયે થાય છે. તેથી શુદ્ધઆત્માને જે ધ્યાવે છે
તે જ રત્નત્રયનો ભક્ત છે, તે જ મોક્ષમાર્ગનો સાધક છે.