: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
ગુરુદેવ સાથે ગનયાત્રા
(લે. બ્ર. હરિલાલ જૈન)
અમદાવાદથી જયપુર જતાં ગુરુદેવ સાથે વિમાનમાં બેઠા બેઠા આકાશમાં
અગિયાર હજાર ફૂટ જેટલી ઊંચાઈએથી આ લખાઈ રહ્યું છે. વૈશાખ વદ પાંચમની
બપોરે પૂ. ગુરુદેવ સાથે અમદાવાદથી જયપુર જઈ રહ્યા છીએ. ત્રીસ મુમુક્ષુ યાત્રિકોને
લઈને વિમાન આકાશમાં ઊડી રહ્યું છે. વિમાનને કદાચ ગૌરવ થતું હશે કે જેમ હું
ગગનમાં ઊંચે ઊંચે ઊડું છું તેમ અંતરના નિરાલંબી જ્ઞાનગગનમાં ઊડનારા ત્રણ ત્રણ
પવિત્ર સંતોની ચરણરજ આજ મને પ્રાપ્ત થઈ છે! સાથે એમના ભક્તો મને એ સંતોનો
મહિમા સમજાવી રહ્યા છે.... આવા ગૌરવ પૂર્વક વિમાન તો ઊંચે ને ઊંચે ઊડી રહ્યું છે.
નીચે તદ્ન નાનકડી દેખાતી વિશાળ પૃથ્વી જ્ઞાનની મહાનતાને પ્રસિદ્ધ કરી રહી છે.
અઢીસો માઈલ જેટલી ઝડપથી ગમન થતું હોવા છતાં, જાણે અત્યંત ધીરે ધીરે શાંતિથી
પ્રવાસ થતો હોય – એવું જ લાગે છે, તે એમ બતાવે છે કે ગમે તેટલું ઝડપથી કામ
કરવા છતાં જ્ઞાન પોતે શાંત અને ધીરા સ્વભાવવાળું છે – તેમાં આકુળતા નથી. દુનિયા
તો ઘણી નાની છે, જ્ઞાન ઘણું વિશાળ છે.
અહા, ગુરુદેવ સાથે દુનિયાથી અત્યંત દૂર દૂર કોઈ ધર્મનગરીમાં જઈ રહ્યા
છીએ.... એવું જ લાગે છે. અને, માર્ગદ્રષ્ટા સન્તો આમ ને આમ અત્યંત દૂર દૂર લઈ
જઈને અમને ઠેઠ વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાનના દર્શન કરાવશે કે શું! – એમ
વિદેહના પ્રભુજીના દર્શનની ભાવના જાગે છે.... ગુરુદેવ સાથે મોક્ષવિહારની ભાવના
જાગે છે.
અમદાવાદથી સેંકડો ભક્તોએ જયજયકાર પૂર્વક વિદાય આપી ને ત્રણ ને દશ
મિનિટે વિમાન ઊપડ્યું ત્યારબાદ તરત જ ગુરુદેવ તો પોતાના કોઈ ગંભીર ચિંતનમાં
બેઠા છે... ને કોઈવાર જ્ઞાનથી ભિન્ન એવી દુનિયાનું દ્રશ્ય વિમાનની બારીમાંથી દેખી
રહ્યા છે – ત્યારે બીજા ભક્ત યાત્રિકો તો ગુરુદેવ સાથેની ગગનવિહારી યાત્રાના
હર્ષોલ્લાસમાં મગ્ન બની રહ્યા છે, ને હૃદયની ભક્તિ વ્યક્ત કરવા ઈન્તેજાર બની રહ્યા
છે... પૂ. બેનશ્રી – બેનની અદ્ભુત જોડલી પણ ગુરુદેવ સાથેના આ ગગનવિહારી પ્રસંગે
વિદેહક્ષેત્રના મધુર સંભારણામાં મશગુલ દેખાય છે.... ને અનેરી ભાવનામાં ઝુલે છે.