: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં વીતરાગ વિજ્ઞાનનું ભણતર અને તેની જ ચર્ચા દેખાય છે.
સવારમાં તો સીમંધર ભગવાન સન્મુખ સેંકડો ભક્તોની ભીડ જામે છે ને પૂજન
ભક્તિથી આખો મંડપ ગૂંજી ઊઠે છે. ચારેકોર ધર્મવર્ષા ચાલી રહી છે.
આવી સરસ ધર્મવર્ષા દેખીને વર્ષાને પણ જાણે એમ થયું કે અરે, મારું સ્થાન આ
ધર્મવર્ષા લઈ લેશે કે શું? એટલે તે જલવર્ષા તો ધમધમાટ કરતી દોડતી આવી પણ તે
આવી પહોંચે ત્યાર પહેલાંં તો ગુરુકહાનના મુખેથી ધર્મવૃષ્ટિ શરૂ થઈ ચુકી હતી અને
લોકો તે આનંદથી ઝીલી રહ્યા હતા. આથી તે જલવર્ષાને પણ કબુલ કરવું પડ્યું કે
જીવોને મારા કરતાં પણ આ ધર્મવર્ષાની વધારે જરૂર છે.... તેથી તેણે પોતાનું સ્થાન
ધર્મવર્ષાને સોંપી દીધું. અત્યારે જયપુરમાં ધોધમાર ધર્મવર્ષા થઈ રહી છે ને મુમુક્ષુ જીવો
તે આનંદપૂર્વક ઝીલીને આત્મામાં ધર્મના બીજ વાવી રહ્યા છે........
[જયકાર ગાજી રહ્યા છે વીતરાગ વિજ્ઞાનના જયપુર શહેરમાં]
* * *
જયપુર શહેરનું ધર્મવાતાવરણ અહીં રજુ કર્યું છે.... હજી ઉત્સવ ચાલી રહ્યો છે ને
ગુરુદેવ ત. ૪–૬–૭૧ સુધી જયપુર બિરાજમાન છે, એટલે હવે પછીના વિશેષ પ્રસંગોના
સમાચાર આવતા અંકમાં આપીશું. તા. પાંચમી જુને, ગુરુદેવ જયપુરથી અમદાવાદ
પધારશે; તા. ૬ થી ૯ ભાવનગર પધારશે; અને તા. દશમી જુને, સોનગઢમાં મંગલ
પધરામણી થશે. શ્રાવણ માસનો પ્રૌઢ શિક્ષણવર્ગ સોનગઢમાં ચાલશે.
સુખથી ભરપૂર ચૈતન્યલક્ષ્મીને લક્ષમાં લે
દુનિયાના વૈભવ કરતાં આત્માનો વૈભવ જુદી જાતનો છે. અરે, સંસારમાં
લક્ષ્મી માટે જીવો કેટલા દગા–પ્રપંચ ને રાગ–દ્વેષ કરે છે? તેમાં જીવન ગુમાવે છે ને
પાપ બાંધે છે. ભાઈ, તારા સ્વઘરની ચૈતન્યલક્ષ્મી મહાન છે, તેની સંભાળ કરને!
તેમાં ક્્યાંય દગા– પ્રપંચ નથી, રાગ–દ્વેષ નથી, કોઈની જરૂર નથી, છતાં તે મહા
આનંદરૂપ છે. બહારની લક્ષ્મી મળે તોપણ તેમાંથી સુખ મળતું નથી. આ
ચૈતન્યલક્ષ્મી પોતે મહા આનંદરૂપ છે. આવો અપાર વૈભવ આત્મામાં પોતામાં ભર્યો
છે. – એને લક્ષમાં લેતાં સુખ છે.