: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
जयपुर शहेर – प्रवचनो
જયપુર શહેરમાં વૈશાખવદ છઠ્ઠથી શરૂ કરીને ૨૦ દિવસનો
ધાર્મિક શિક્ષણનો જે ભવ્ય સમારોહ ચાલી રહ્યો છે તેમાં શ્રી ટોડરમલ
– સ્મારકભવનમાં પૂ. શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મ–પ્રવચનોનો લાભ
હજારો શ્રોતાજનો લઈ રહ્યા છે. પ્રવચનમાં સવારે પ્રવચસાર ગાથા
૧થી અને બપોરે સમયસાર ગાથા છઠ્ઠીથી શરૂ થયેલ છે. તેમાંથી થોડુંક
દોહન અહીં આપ્યું છે.
– બ્ર. હ. જૈન
શિષ્ય એમ પૂછે છે કે હે પ્રભો! શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે? આનંદનો પિપાસુ
શિષ્ય બીજું કાંઈ નથી પૂછતો, પણ જેને જાણવાથી આનંદ થાય એવા શુદ્ધઆત્માનું
સ્વરૂપ જ પૂછે છે. મારા આત્માના શુદ્ધસ્વરૂપ સિવાય બીજા કોઈ સાથે મારે પ્રયોજન
નથી.– આમ આત્માનો અભિલાષી થઈને તેનું સ્વરૂપ પૂછનાર શિષ્યને આત્માનું
શુદ્ધસ્વરૂપ સમજાવવા માટે આ છઠ્ઠી ગાથા આચાર્યદેવ કહે છે:–
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયકભાવ છે;
એ રીતે શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે.
જુઓ, આ માંગળિક ગાથા છે, કુંદકુંદાચાર્યદેવે આ સમયસારમાં અપૂર્વ માંગળિક
કર્યું છે. શરૂઆતમાં શુદ્ધઆત્માના પ્રતિબિંબરૂપ એવા સિદ્ધભગવંતોને આત્મામાં જ
સ્થાપીને નમસ્કાર કર્યાં. પછી નિજવૈભવથી આત્માનું શુદ્ધસ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા
કરી, પણ તે કોને બતાવે છે? જે શિષ્ય ચાર ગતિનાં દુઃખથી થાકીને શુદ્ધ આત્માનો
અભિલાષી થયો છે, તેને આ છઠ્ઠી ગાથાના ભાવ સમજવા તે અપૂર્વ મંગળ છે, એટલે
ગાથા પણ મંગળ છે.
સીમંધર તીર્થંકર અત્યારે પૂર્વ વિદેહમાં સાક્ષાત્ બિરાજમાન છે;