: ૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
ભગવાન આત્મા નિજશક્તિથી ઉલ્લસે છે
રાજકોટ શહેરમાં વીર સં. ૨૪૯૭ના વૈશાખ સુદ પાંચમથી વૈશાખ વદ ત્રીજ
સુધી સમયસારની ૪૭ શક્તિ ઉપરનાં પ્રવચનોમાંથી
* સર્વજ્ઞભગવાન કહે છે કે હે ભાઈ! તું આત્મા છો, તારામાં સર્વજ્ઞ – સ્વભાવ
વગેરે અનંત શક્તિઓ છે. તે શક્તિઓનું વર્ણન આ સમયસારમાં કર્યું છે.
અનુભવમાં કલમ બોળીબોળીને આ સમયસારની રચના થઈ છે.
* અનંતશક્તિઓ આત્મામાં એક સાથે છે; તે શક્તિમાન આત્મદ્રવ્યને ઓળખીને
અનુભવમાં લેતાં અનંતી શક્તિનો સ્વાદ એક સાથે આવે છે, અનંતી શક્તિઓ
એકસાથે નિર્મળપણે પરિણમે છે, ઉલ્લસે છે.
* પોતાની અનંતશક્તિઓને ન ઓળખી, ને પોતાને રાગાદિ જેટલો માન્યો તેથી
પર્યાયમાં જીવની શક્તિ બીડાઈ ગઈ છે, ને દુઃખથી તે સંસારમાં રખડે છે. આ
રીતે નિજશક્તિનું અજ્ઞાન તે અધર્મ છે.
* પોતાના સ્વભાવની શક્તિનું ભાન થતાં રાગાદિમાંથી આત્મબુદ્ધિ ઊડી જાય, ને
સ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવમાં આવે તે ધર્મ છે, ને તે
મોક્ષમાર્ગ છે.
* અહીં આચાર્યદેવ કહે છે કે હે જીવ! તારું સ્વરૂપ જ્ઞાન છે, એકલું જ્ઞાન નહિ પણ
જ્ઞાન સાથે અનંતગુણોનું પરિણમન ભેગું છે. સર્વશક્તિમાન પરમેશ્વર તું જ છો.
* શક્તિઓ તો દરેક દ્રવ્યમાં અનંતી છે, જડમાં પણ જડની અનંતી શક્તિઓ છે;
પણ અહીં જ્ઞાનસ્વરૂપ આત્માની શક્તિઓનું વર્ણન છે; કેમકે આત્માના
સ્વભાવને ઓળખવાનું પ્રયોજન છે.
* પ્રથમ જીવત્વશક્તિ કહીને આત્માનું જીવન બતાવે છે. આત્માનું જીવન શેનાથી
ટકે છે? કે ચૈતન્યમય ભાવપ્રાણરૂપ જીવત્વશક્તિથી આત્મા સદા જીવે છે,
જીવપણે ટકે છે.