: ૧૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
જુઓ, અંતરની અધ્યાત્મદ્રષ્ટિથી જીવના સ્વરૂપની આ અલૌકિક વ્યાખ્યા છે.
શ્રીમદ્ને અંતરની અધ્યાત્મદ્રષ્ટિ હતી, તેથી અંદરના સૂક્ષ્મ અધ્યાત્મભાવો ખોલીને
અર્થ લખ્યા છે. જાણનારો એવો જીવ પોતે ન હોય તો પદાર્થોને જાણે કોણ? ‘આ
શરીર – મકાન બધાને હું જાણું છું, – પણ મારો આત્મા છે કે નહીં – તેની મને ખબર
નથી’ – એમ જીવ પોતાના અસ્તિત્વને જ ભૂલી રહ્યો છે. અરે, પોતે જ કહે કે હું મને
દેખાતો નથી – એ તે કેવી મુર્ખાઈ? કેવું અજ્ઞાન?
ઘટ–પટ આદિ જાણ તું તેથી તેને માન;
પણ જાણનારને માન નહીં, – કહિયે કેવું જ્ઞાન?
દેહ ન જાણે દેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ;
આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.
બાપુ! આ બધા પદાર્થો છે – તે જણાય છે ને? .... હા; તો કોની સત્તામાં તે
બધું જણાય છે? જેના અસ્તિત્વમાં બધું જાણે છે તે તું જ છો; તું જ બધાને જાણનારો
જ્ઞાનસ્વરૂપ છો દેહને કાંઈ ખબર નથી કે ‘હું દેહ છું. ’ ‘આ દેહ છે, આ ઈંદ્રિયો છે’
એવું જે જાણે છે તે જાણનારો પોતે દેહાદિરૂપ થયો નથી, પણ દેહથી ભિન્ન રહીને તેને
જાણે છે. આવો જાણનારો પદાર્થ તે પોતે જીવ છે. તેથી જ્ઞાની કહે છે કે –
‘જાણનારનો જાણ્યા વગર ધર્મ થાય નહીં.’
‘જેણે આત્મા જાણ્યો તે સર્વ જાણ્યું.’
–જુઓ, આ આત્માના જ્ઞાનસ્વભાવની મુખ્યતા. મુખ્યતા એટલે ઊર્ધ્વતા.
‘પ્રથમ જીવ હોય તો જ પદાર્થો જણાય. ’ – અહીં પ્રથમ પહેલાંં આત્મા હતો ને પછી
જ્ઞેયો થયા–એવો તેનો અર્થ નથી. પણ પ્રથમ એટલે મુખ્ય, ઊર્ધ્વ; પોતે પોતામાં
રહીને બધાને જાણી લ્યે, બધાયને જાણવા છતાં બધાથી જુદો રહે – અધિક રહે,
રાગાદિને જાણવા છતાં પોતે રાગરૂપ ન થાય, પોતે જ્ઞાનરૂપ જ રહે – આવું
અચિંત્યજ્ઞાનસામર્થ્ય જીવમાં એકલામાં જ છે, તેથી તેનામાં ઊર્ધ્વતા છે. આવા
આત્માને જાણતાં જીવ ઊર્ધ્વ એવી સિદ્ધગતિને પામે છે. આત્મા જ્યારે મોક્ષ પામે
ત્યારે એક સમયમાં સ્વાભાવિ ઊર્ધ્વગમન કરીને તે સિદ્ધક્ષેત્રમાં સાદિઅનંતકાળ સુધી
સ્થિર રહે છે ને અનંત આનંદ સહિત સદાકાળ નિજસ્વરૂપમાં બિરાજે છે. –
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઊધ્વર્ગગમન સિદ્ધાલય–પ્રાપ્ત સુસ્થિત જો;