: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૪૧ :
મુમુક્ષુની બુદ્ધિ સ્વદ્રવ્યને પકડવામાં તીક્ષ્ણ છે. તીક્ષ્ણબુદ્ધિ એટલે જ્ઞાનપર્યાયની
ઉગ્રતા, તેના વડે સ્વદ્રવ્ય પકડાય છે, વિકલ્પવડે સ્વદ્રવ્ય પકડાતું નથી.
વિકલ્પ બંધનું કારણ છે, સ્વદ્રવ્ય તરફ ઢળેલો ભાવ તે મોક્ષનું કારણ
છે. સ્વદ્રવ્ય તરફ ઢળેલો ભાવ વિકલ્પથી પાર છે.
પર્યાયબુદ્ધિ એટલે શું?
સ્વદ્રવ્યને ભૂલીને પર્યાય જેટલો જ આખો આત્મા માનવો તે પર્યાયબુદ્ધિ
છે. દ્રવ્યસહિત પોતાની પર્યાયને જાણવી તે કાંઈ પર્યાયબુદ્ધિ નથી.
મનના વિકલ્પોથી અપેક્ષા છોડીને સીધા જ્ઞાનવડે આત્માનું લક્ષ થાય
છે. જ્ઞાન સિવાય બીજી કોઈ રીતથી આત્મા લક્ષમાં આવતો નથી.
વિકલ્પ તો જ્ઞાનથી જુદી જાત છે.
શાસ્ત્રજ્ઞાનના લક્ષ વડે આત્મલક્ષ થતું નથી.
આત્મલક્ષ કોઈ બાહ્યપદાર્થની કે રાગની અપેક્ષા રાખતું નથી.
ઈન્દ્રિયોથી ને રાગથી છૂટું પડેલું, ને આત્માની સન્મુખ વળેલું જ્ઞાન જ
આત્મલક્ષ કરે છે.
વિકલ્પનું ઘોલન તે માર્ગ નથી, વિકલ્પ તે કાંઈ કાંઠો નથી. જ્ઞાનભાવનું
ધોલન તે કાંઠો છે, તે માર્ગ છે, તેના વડે ચૈતન્યસમુદ્રમાં પ્રવેશ થાય છે.
આનંદને જાણનારું જ્ઞાન આનંદરૂપ થાય છે.
પરંતુ રાગને જાણનારું જ્ઞાન રાગરૂપ થતું નથી, જુદું જ રહે છે.
એક સમયમાં પોતે અનંત આનંદથી ભરેલો, એકેક સમયે અનંત આનંદ
ભોગવે તો પણ ખૂટે નહિ – એવા મહાન આનંદનો નિધાન આત્મા, તે
પોતે આનંદને બદલે દુઃખ ભોગવે – એ તે કેમ શોભે? આનંદધામમાં તો
આનંદ જ હોય ને! આવા આત્માની સન્મુખ થતાં જ આનંદનો અદ્ભુત
ઝણઝણાટ થાય છે.