: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
રાજમાતા ચેલણા પણ બધી પરિસ્થિતિ સમજી ગઈ, અને ધર્મમાં સ્થિર કરવા
તેને કહ્યું – અરે મુનિરાજ! આત્માના ધર્મને સાધવાનો આવો અવસર ફરીફરી નથી
મળતો. માટે તમારું ચિત્ત મોક્ષમાર્ગમાં જોડો; આ સંસાર તો અનંતવાર ભોગવાઈ
ચુક્યો છે તેમાં કિંચિત સુખ નથી...માટે તેનું મમત્વ છોડીને મુનિધર્મમાં તમારા ચિત્તને
સ્થિર કરો.
વારિષેણ મુનિરાજે પણ જ્ઞાન–વૈરાગ્યનો ઘણો જ ઉપદેશ આપ્યો......હે મિત્ર હવે
તારું ચિત્ત આત્માની આરાધનામાં સ્થિર કર અને મારી સાથે મોક્ષમાર્ગમાં આવ.
પુષ્પડાલે કહ્યું–પ્રભો! તમે મને મુનિધર્મથી પતિત થતો બચાવ્યો છે, ને સાચો
બોધ આપીને મને મોક્ષમાર્ગમાં સ્થિર કર્યો છે. સાચા મિત્ર તમે જ છો. આપે ધર્મમાં
સ્થિતિકરણ કરીને મહાન ઉપકાર કર્યો છે. હવે મારું મન આ સંસારથી ને આ ભોગોથી
ખરેખર ઉદાસીન થયું છે ને આત્માના રત્નત્રય ધર્મની આરાધનામાં સ્થિર થયું છે.
સ્વપ્ને પણ હવે આ સંસારની ઈચ્છા નથી, હવે તો અંતરમાં લીન થઈને આત્માના
ચૈતન્યવૈભવને સાધશું.
આ પ્રમાણે પ્રાયશ્ચિત કરીને તે પુષ્પડાલ ફરીને મુનિધર્મમાં સ્થિર થયા.....અને
બંને મુનિવરો વન તરફ ચાલ્યા....
[વારિષેણ મુનિરાજની આ કથા આપણને એમ
શીખડાવે છે કે, કોઈ પણ સાધર્મી–ધર્માત્મા કદાચિત
શિથિલ થઈને ધર્મમાર્ગથી ડગતો હોય તો તેના પ્રત્યે
તિરસ્કાર ન કરવો પણ પ્રેમપૂર્વક તેને ધર્મમાર્ગમાં
સ્થિર કરવો. તેને સર્વપ્રકારે સહાય કરીને, ધર્મનો
ઉલ્લાસ જગાડીને, જૈનધર્મનો પરમ મહિમા સમજાવીને
કે વૈરાગ્યભર્યા સંબોધન વડે, હરકોઈ પ્રકારે ધર્મમાં
સ્થિર કરવો. તેમ જ પોતે પોતાના આત્માને પણ
ધર્મમાં વધુ ને વધુ સ્થિર કરવો; ગમે તેવી
પ્રતિકૂળતામાં પણ ધર્મથી જરાપણ ડગવું નહીં.]