: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧૭ :
જયપુર–પ્રવચનો (૩)
વૈશાખ–જેઠમાસમાં પૂ. ગુરુદેવ જયપુર પધાર્યા ને મહાન
જ્ઞાનપ્રભાવના થઈ; તે દરમિયાન સમયસાર તથા પ્રવચન–સાર ઉપરનાં
આત્મલક્ષી પ્ર્રવચનોમાંથી આ ત્રીજો હપ્તો છે.
* * * * *
પ્રવચનસારના મંગલાચરણમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને,
શુદ્ધોપયોગરૂપ સામ્યની પ્રાપ્તિ કરવાનું કહ્યું; કેમકે શુદ્ધોપયોગ તે જ મોક્ષના
અતીન્દ્રિયસુખનું સાધન છે.
શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે, તે જ ધર્મ છે. શુભરાગનો પણ તેમાં અભાવ છે.–
આવા ચારિત્રરૂપે આત્મા પોતે પરિણમે છે, તેથી આત્મા પોતે જ ચારિત્ર છે. ધર્મરૂપે
પરિણમેલો આત્મા તે પોતે ધર્મ છે.
શુભરાગને ચારિત્ર નથી કહેતા, તેને ધર્મ પણ નથી કહેતા; તે તો મોક્ષને વિઘ્ન
કરનાર છે. મુનિને શુભરાગ હો ભલે, પણ તેમનું મુનિપણું કે ચારિત્ર કાંઈ તે રાગને
લીધે નથી.
ચારિત્ર તો રાગ વગરનો સામ્યભાવ એટલે કે શુદ્ધોપયોગ છે. જેટલી રાગ
વગરની શુદ્ધપરિણતિ થઈ તેટલું ચારિત્ર છે, ને તેટલો જ ધર્મ છે; તે જ મોક્ષનું કારણ
છે.
જીવને મોહ અને રાગ–દ્વેષ વગરનાં જે શુદ્ધ પરિણામ છે તે ધર્મ છે. રાગનો એક
કણ પણ તેમાં ન સમાય.
ધર્માત્માને પોતાના આત્માને સાધવાની એવી ધૂન છે કે હું જ એક છું, અને
બીજું કાંઈ મારે માટે છે જ નહિ–એમ સર્વત્ર તે પોતાને એકને જ મુખ્ય દેખે છે. સ્વની
અસ્તિમાં પરની નાસ્તિ કરીને, બીજે બધેયથી દ્રષ્ટિ–રુચિ હઠાવીને પોતાના