: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
તે જડપ્રકાશ (અજવાળું) કાંઈ પદાર્થોને જાણતું નથી; તે પ્રકાશનો પણ પ્રકાશક તો આ
ચૈતન્યપ્રકાશી આત્મા જ છે.
અહા, ચૈતન્યપ્રકાશી આત્મા કોઈ અદ્ભુત વસ્તુ છે. અંતરમાં વિચાર કરીને
સ્વાનુભવ વડે તેનો પત્તો લેવા જેવું છે.–
‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.’
જુઓ, આમાં પણ શ્રી મદ્રાજચંદ્રજીએ જીવનું સરસ વર્ણન કર્યું છે. શુદ્ધ કહીને
શુદ્ધદ્રવ્ય બતાવ્યું; બુદ્ધ કહીને જ્ઞાનસ્વભાવ બતાવ્યો; ચૈતન્યઘન કહીને અસંખ્ય–પ્રદેશથી
અખંડપણું બતાવ્યું; સ્વયંજ્યોતિ કહીને સ્વસંવેદન–પ્રત્યક્ષપણું બતાવ્યું. અને સુખધામ
કહીને અતીન્દ્રિય આનંદસ્વભાવનું ધામ પોતે જ છે–એમ બતાવ્યું, આવો આત્મા
સ્વાનુભૂતિગમ્ય છે. વચનથી કેટલું કહેવાય? પોતે અંતરવિચાર કરીને સ્વાનુભવ કરે
ત્યારે તેની ખબર પડે. બાકી વચનના વિકલ્પથી પાર પડે તેમ નથી.
શ્રીમદ્ પોતે કહે છે કે તું તારા સામે જો. અમારી સામે જોયા કર્યે આત્મા નહીં
સમજાય. જુઓને ૧૬ વર્ષ જેટલી નાની વયે પણ કેવું સરસ લખે છે!
હે જીવો!
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યની રક્ષકતા ઉપરલક્ષ રાખો.
હું પરની રક્ષા કરું ને પર મારી રક્ષા કરે–એવી બુદ્ધિ શીઘ્ર છોડો, ને પરથી ભિન્ન
પોતાનું સહજસ્વરૂપ જે રમ્ય છે, જ્ઞાયક છે, સુખધામ છે તેને અનુભવમાં લ્યો.