Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 44

background image
: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
* અમારો આફ્રિકાનો પત્ર *
આફ્રિકામાં આપણા સેંકડો મુમુક્ષુ ભાઈઓ વસે છે, દર વર્ષે હજારો ધાર્મિક
પુસ્તકો મંગાવીને હોંશથી વાંચે છે, આત્મધર્મ પણ મંગાવે છે, સોનગઢના વાતાવરણથી
પરિચિત રહીને દરેક પ્રસંગે પોતાના તરફથી ઉત્સાહભર્યો સન્દેશ મોકલવાનું પણ ચુકતા
નથી; ત્યાંના એક આગેવાન મુમુક્ષુ ભાઈશ્રી ભગવાનજી કે. શાહ (જેમણે સોનગઢમાં
પરમાગમ–મંદિરનું શિલાન્યાસ કર્યું હતું) તેઓ ગુરુદેવ પ્રત્યે ઘણી ભક્તિપૂર્વક પોતાના
ઉલ્લાસભરેલા પત્રમાં મોમ્બાસાથી લખે છે કે–
અહીં રેકોર્ડિંગમશીનથી ગુરુદેવના પ્રવચનો સાંભળતાં આનંદ થાય છે. વિશેષમાં
આત્મધર્મની જુની ફાઈલો શરૂઆતથી વાંચીએ છીએ, તેમાં મુખ્ય લખાણો સાથે સમાચારો તથા
સોનગઢમાં થઈ રહેલ સત્ધર્મ–પ્રભાવના અને ગુરુદેવના અમૃતવચનો વાંચતાં ૨૮ વર્ષનું બધું નજરે
દેખાય છે. ખરેખર, આત્મધર્મ અમારા માટે દીવાદાંડી સમાન માર્ગદર્શક ઝળકતો દીવો છે; તેનો પ્રકાશ
દૂરદૂરના ભવ્યજીવોને પણ આત્માના ધર્મનો માર્ગ બતાવે છે. જ્ઞાનકળાનો સંગ્રહ અને ખજાનો
આત્મધર્મના અંકોમાં ભરપૂર ભર્યો છે; મુખ્ય મુખ્ય પ્રભાવનાના વિષયો કોઈપણ રહી ગયા ન હોય
એવી કાળજીથી સંગ્રહ કરેલ છે. આ ફાઈલો વાંચતાં અને પહેલાંંના પ્રસંગો જાણતાં રોમાંચ ખડા થઈ
જાય છે, જાણે આખા સોનગઢનો આટલા વર્ષોનો ઈતિહાસ નજર સામે દેખાય છે. ખરેખર
આત્મધર્મના એકેક અંકમાં અમૂલ્ય ખજાનો અને શાસ્ત્રોનો નીચોડ છે. આ બધો પ્રતાપ અને ઉપકાર
પૂ. ગુરુદેવશ્રીનો છે. આવા અમૂલ્ય ખજાનાનું જે કોઈ વાંચન–મનન કરશે તેને અનેક વર્ષોનો એકઠો
થયેલો સંગ્રહ થોડા વખતમાં જાણવા–સમજવા મળશે ને સત્ધર્મની ભાવના જાગૃત થશે. પૂ.
ગુરુદેવના અંતરના ભાવોનો આપે પરિશ્રમપૂર્વક આત્મધર્મમાં જે સંગ્રહ અને સંકલના કરી છે તેનો
લાભ હજારો વર્ષો સુધી જિજ્ઞાસુઓને મળતો રહેશે. આ કાર્યમાં ખૂબ ઉત્સાહ બદલ ધન્યવાદ!
(–ભગવાનજી કચરાભાઈ શાહ)
યાદ આવે છે અકંપમુનિરાજ...યાદ આવે છે વિષ્ણુમુનિરાજ
શ્રાવણ સુદ પૂર્ણિમા...વાત્સલ્યનું મહાન પર્વ...ધર્મરક્ષાનું મહાન પર્વ...એ દિવસ નજીક
આવે છે ને અંતરમાં વાત્સલ્યની, ધર્મપ્રેમની, સાધર્મીસ્નેહની અવનવી ઉર્મિઓ જગાડે છે. ધન્ય એ
આરાધનામાં અડોલ અકંપ મુનિવરો, ધન્ય એ વત્સ્લવંતા મુનિરાજ...ને ધન્ય એ હસ્તિનાપુરીના
ધર્મપ્રમી શ્રાવકો. તે સૌને વાત્સલ્યાદિ અષ્ટાંગ સહિત સમ્યક્ત્વની આરાધનાપૂર્વક નમસ્કાર હો.
(આવતા અંકે વાત્સલ્યઅંગની કથા રજુ થવાની હોવાથી અત્રે વિશેષ નથી લખતા.)