*
જેમ ચોમાસામાં જીવો વરસાદની અત્યંત આતૂરતાથી વાટ જુએ છે, જરાક વાર
લાગે ત્યાં આકુળ–વ્યાકુળ થઈ જાય છે, તેમ અંદરમાં આત્મામાં આનંદની
ધારાનો વરસાદ કેમ વરસે–તે માટે આતુરતા કરે, ને તેનો પ્રયત્ન કરે તો અંદર
અપૂર્વ અમૃતની ધારા વરસે ને સમ્યક્ત્વાદિ ગુણોનાં અપૂર્વ પાક પાકે.–પછી તેને
મોક્ષમાં જતાં કોઈ રોકનાર નથી. અહા, જેની વાત સાંભળતાં પણ આનંદ થાય
એવો આ આત્મા છે. બાપુ! બહારની હોશિયારીમાં કાંઈ સાર નથી, અંદર
આત્માની શાંતિના અનુભવમાં હોશિયારી પ્રગટ કરને!
* અહા, આવું પોતાનું પરમતત્ત્વ–તેની તો ગતાગમ કરતો નથી, ને બહારની
ગડમથલમાં લાગ્યો રહે છે, પણ બાપુ! આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે.
અરે જીવ! તું અંતરમાં જા...તેમાં ઢીલ ન કર. તેમાં વાર ન લગાડ. અરે,
જેની રુચિ થઈ, જેની લગની લાગી તેમાં વાર શી? આજે જ, વર્તમાનમાં
અત્યારે જ તારું આત્મલક્ષ કરી લે. પ્રવચનસારમાં ઘણું ઘણું વર્ણન કરીને છેલ્લે
આચાર્યદેવ કહે છે કે હે જીવો! આવા પરમાનંદમય સ્વતત્ત્વને આજે જ તમે
અનુભવો. અનેકાંતમય જિનશાસનના વશે તમે ચૈતન્યસ્વરૂપ આત્માને
આનંદસહિત હમણાં જ અનુભવો...અત્યારે જ તમારા પરિણામને અંર્તમુખ
કરીને આત્માના પરમ–સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યો.
* જુઓ, ઋષભદેવ વગેરે છ જીવોને ભોગભૂમિમાં સમ્યકત્વનો ઉપદેશ આપતાં
મુનિવરોએ પણ એમ જ કહ્યું હતું કે હે જીવ! તું હમણાં જ સમ્યકત્વને ગ્રહણ કર.
અત્યારે જ તેની લબ્ધિનો સ્વકાળ છે. (तत् गृहाण अद्य सम्यक्त्वं तत् लाभे
काल एष ते।) અને તે ઋષભાદિ છ જીવો પણ તરત જ તત્ક્ષણે અંતરમાં
ઊતરીને સમ્યગ્દર્શન પામી ગયા. (આ પ્રસંગનું ભાવભીનું ચિત્ર સમ્યગ્દર્શન ભાગ
૪ ના પૂંઠા પર આપ જોઈ શકશો; સોનગઢ–જિનમંદિરમાં પણ તે ચિત્ર છે.)
* * * * *
આત્માનો સ્વાનુભવ થતાં સમકિતી જીવ કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક
જાણે છે કે આત્માનો આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્યો છું. સ્વાનુભવ
થયો ને ભવકટી થઈ ગઈ; હવે અમારે આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ.
આ રીતે અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર કરતો જવાબ આપે છે.