Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 44

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૩ :
માયાજાળમાં ફસાયેલો છે; તે પોતાના ચૈતન્યભાવને ભૂલ્યો છે ને ચાર ગતિના ભવમાં
સૂતો છે, જે–જે ભવમાં જે પર્યાયને ધારણ કરે છે તે પર્યાયને જ અનુભવવામાં મશગુલ છે;
હું દેવ છું, હું મનુષ્ય છું, હું રાગી છું –એમ અનુભવે છે, પણ એનાથી જુદા પોતાના શુદ્ધ
જ્ઞાયકપદને અનુભવતો નથી તે અંધ છે. તે વિનાશી ભાવોરૂપે જ પોતાને અનુભવે છે પણ
અવિનાશી નિજપદને દેખતો નથી. તે નિજપદનો માર્ગ ભૂલીને ઊંધા માર્ગે ચડી ગયો છે.
સન્તો તેને હાકલ કરે છે કે અરે જીવ! થંભી જા! વિભાવના માર્ગેથી પાછો વળ... એ તારા
સુખનો માર્ગ નથી, એ તો માયાજાળમાં ફસાવાનો માર્ગ છે... માટે એ માર્ગેથી રૂક જા અને
આ તરફ આવ...આ તરફ આવ. તારું આનંદમય સુખધામ અહીં છે. આ તરફ આવ. દેવ
તું નહિં, મનુષ્ય તું નહિ, રાગી તું નહિં, તુ તો શુદ્ધ ચૈતન્ય છો. તારો અનુભવ તો
ચૈતન્યમય છે. ચૈતન્યથી જુદું કોઈ પદ તારું નથી–નથી; તે તો અપદ છે, અપદ છે.
અરે, આવું ચૈતન્યપદ દેખીને તેને સાધવા આઠ આઠ વર્ષના કુંવરો રાજપાટ
છોડીને વનમાં ચાલ્યા ગયા; અંતરમાં અનુભવેલા ચૈતન્યપદમાં લીન થવા માટે
વીતરાગમાર્ગે વિચર્યા. જે ચૈતન્યપદના અનુભવ પાસે ઈન્દ્રાસન પણ અપદ લાગે, તેના
મહિમાની શી વાત! અરે, તારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું જો તો ખરો! અમૃતથી
ભરેલું આ ચૈતન્યસરોવર, તેને છોડીને ઝેરના સમુદ્રમાં ન જા. ભાઈ, દુઃખી થવાના રસ્તે
ન જા... ન જા. એ પરભાવના માર્ગેથી પાછો વળ... પાછો વળ ને આ ચૈતન્યના માર્ગે
આવ રે આવ. બહારમાં તારો માર્ગ નથી, અંતરમાં તારો માર્ગ છે, અંતરમાં
આવ...આવ. સન્તો પ્રેમથી તને મોક્ષના માર્ગમાં બોલાવે છે.
અહા, આવા માર્ગે કોણ ન આવે!! કોણ વિભાવને છોડીને સ્વભાવમાં ન
આવે? બહારના રાજવૈભવને છોડીને અંતરના ચૈતન્યવૈભવને સાધવા રાજાઓ ને
રાજકુમારો અંતરના માર્ગમાં વળ્‌યા. બહારના ભાવ અનંતકાળ કર્યાં, હવે તે છોડીને
અમારું પરિણમન અંદર અમારા નિજપદમાં વળે છે,–હવે એ પરભાવના પંથમાં હું નહિ
જાઊં–નહિ જાઊં–નહિ જાઊં; અંતરના અમારા ચૈતન્યપદમાં જ ઢળું છું.–આમ
સ્વાનુભૂતિપૂર્વક ધર્મી જીવ નિજપદને સાધે છે......ને બીજા જીવોને પણ કહે છે કે હે
જીવો! તમે પણ આ માર્ગે આવો રે આવો. અંતરમાં જોયેલો જે મોક્ષનો માર્ગ, આનંદનો
માર્ગ તે બતાવીને સન્તો બોલાવે છે કે હે જીવો! તમે પણ અમારી સાથે આ માર્ગે
આવો... આ માર્ગે આવો. અવિનાશીપદનો આ માર્ગ છે... સિદ્ધપદનો આ માર્ગ છે.