
જોઈતું હોય તેણે નિરંતર આ શુદ્ધપદનો જ અનુભવ કરવો. શું કરવું ને શેમાં ઠરવું? –તો
કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્યપદમાં દ્રષ્ટિ કરવી ને તેમાં ઠરવું. શરીર કે ઘર તે તારું પદ
નથી, તે તારું રહેઠાણ નથી; સંયોગો તે તારું રહેઠાણ નથી, રાગ તે તારું રહેઠાણ નથી,
તારું રહેઠાણ અસંખ્યપ્રદેશી ચૈતન્યરસથી ભરપૂર છે, તે જ તારું નિજપદ છે.–એનો
અનુભવ લેવો તે જ મોક્ષનું એટલે ચિરસુખનું કારણ છે. ચિરસુખ એટલે લાંબું સુખ,
અનંતકાળનું સુખ, શાશ્વત સુખ, મોક્ષસુખ.
આનંદ ન હોય તેને નિજપદ કેમ કહેવાય? નિજપદ તો તેને કહેવાય કે જેમાં આનંદ
હોય. જેનો સ્વાદ લેતાં, જેમાં રહેતાં, જેમાં ઠરતાં આત્માને સુખનો અનુભવ થાય તે
નિજપદ છે. જેના વેદનમાં આકુળતા થાય તે નિજપદ નથી, તે તો પર પદ છે, આત્માને
માટે અપદ છે. તેને અપદ જાણીને તેનાથી પાછા વળો, ને આ શુદ્ધ આનંદમય ચૈતન્યપદ
તરફ આવો. સન્તો સાદ પાડીને બોલાવે છે કે આ તરફ આવો–આ તરફ આવો.
ચારિત્રમાંય ચૈતન્યનો સ્વાદ છે. રાગનો સ્વાદ રત્નત્રયથી બહાર છે; નિજપદમાં રાગનો
સ્વાદ નથી. રાગ એ તો દુઃખ છે, વિપદા છે, ચૈતન્યપદમાં વિપદા નથી. જેમાં આપદા તે
અપદ, જેમાં આપદાનો અભાવ ને સુખનો સદ્ભાવ તે સ્વપદ; આનંદસ્વરૂપ આત્માની
સંપદાથી જે વિપરીત છે તે વિપદા છે. રાગ તે ચૈતન્યની સંપદા નથી પણ વિપદા છે;
આત્માનું તે અપદ છે. જેમ રાજાનું સ્થાન મેલા ઉકરડામાં ન શોભે, રાજા તો સોનાના
સિંહાસને શોભે; તેમ આ જીવ–રાજાનું સ્થાન રાગ–દ્ધેષ ક્રોધાદિ મલિનભાવોમાં નથી
શોભતું, તેનું સ્થાન તો પોતાના શુદ્ધ ચૈતન્યસિંહાસને શોભે છે. રાગમાં ચૈતન્યરાજા
નથી શોભતા; એ તો અપદ છે, અસ્થિર છે, મલિન છે, વિરુદ્ધ છે; ચૈતન્યપદ શાશ્વત છે,
શુદ્ધ છે, પવિત્ર છે, પોતાના સ્વભાવરૂપ છે. આવા શુદ્ધ સ્વપદને હે જીવો! તમે
જાણો...તેને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરો. આવી નિજપદની સાધના તે મોક્ષનો ઉપાય છે.