: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૭ :
તેને ખાતરી થઈ કે હું સિંહ છું; પાણીના સ્વચ્છ ઝરણામાં પોતાનું મોઢું જોઈને પણ તેને
સ્પષ્ટ દેખાણું કે હું તો સિંહ છું. ભ્રમથી જ સિંહપણું ભૂલી, મારી નિજશક્તિને ભૂલીને
મને બકરા જેવો માની રહ્યો હતો.
આ તો એક દ્રષ્ટાન્ત છે; તેમ, સિંહ જેવો એટલે કે સિદ્ધભગવાન જેવો જીવ
પોતાના સાચા રૂપને ભૂલીને પોતાને બકરીનાં બચ્ચાં જેવો દીન–હીન–રાગી–પામર
માની રહ્યો છે. ધર્મકેસરી એવા સર્વજ્ઞ પરમાત્મા પોતે સર્વજ્ઞ થઈને દિવ્યવાણીરૂપી
સિંહનાદથી તેને તેનું પરમાત્માપણું બતાવે છે: અરે જીવ! જેવા અમે પરમાત્મા છીએ
એવો જ તું પરમાત્મા છો; બંનેની એક જ જાત છે. ભ્રમથી તેં પોતાને પામર માન્યો છે
ને તારા પરમાત્માપણાને તું ભૂલ્યો છો. પણ અમારી સાથે તારી મુદ્રા (લક્ષણ) મેળવીને
જો તો ખરો, તો તને ખાતરી થશે કે તું પણ અમારા જેવો જ છો. સ્વસંવેદન–વડે તારા
સ્વચ્છ જ્ઞાનસરોવરમાં દેખ તો તને તારી પ્રભુતા તારામાં સ્પષ્ટ દેખાશે. સ્વસન્મુખ વીર્ય
ઉલ્લસાવીને શ્રદ્ધારૂપી સિંહનાદ કર, તો તને ખાતરી થશે કે હું પણ સિદ્ધપરમાત્મા જેવો
છું, મારામાંય સિદ્ધ જેવું પરાક્રમ ભર્યું છે! પ્રભુતાથી ભરેલો તારો આત્મા પોતાના
ભાન કરતાં જ નિજવીર્યથી આત્મા જાગી ઊઠે છે, ને પોતાના ચિદાનંદસ્વભાવની
સન્મુખ થઈ ચાર ગતિનો અભાવ કરીને પોતાના સાચા સ્વાંગરૂપ સિદ્ધપદને પામે છે.
* * * * *
સ્વભાવ – મહેલ
હે ચૈતન્યરાજા! શાસ્ત્રો અને સન્તો તને તારા સ્વભાવનો
મહેલ બતાવે છે, તારા સ્વભાવ–મહેલમાં ભરેલાં નિધાન બતાવીને
તને સ્વમાં લક્ષ કરાવે છે, ને પરનો મહિમા છોડાવે છે. પરનું માહાત્મ્ય
છોડીને સ્વમહિમામાં લીન થવું તે જ વીતરાગી શાસ્ત્રોનું તાત્પર્ય છે.
ભેદજ્ઞાનના બળે જેઓ નિજમહિમામાં લીન થાય છે તેઓ જ
શુદ્ધાત્મતત્ત્વને પામીને કર્મોથી મુક્ત થાય છે. અહા, ચૈતન્યમહેલમાં
જઈને ‘આત્મવૈભવ’ ને લક્ષમાં લ્યે તો તેમાં લીનતા થયા વગર રહે
નહીં, ને પરનો મહિમાં આવે નહીં. – ‘આત્મવૈભવ’ માંથી.