Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 44

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩૭ :
આનંદમય મોક્ષભાવરૂપ પરિણમે છે.
અનંતા જીવો ભેદજ્ઞાનના અભ્યાસવડે શુદ્ધઆત્માને અનુભવીને મુક્તિ પામ્યા છે,
જેઓ મુક્તિ પામ્યા તેઓ બધાય રાગથી જુદા પડીને જ મુક્તિ પામ્યા છે; રાગને રાખીને
કોઈ મુક્તિ પામ્યું નથી. રાગથી ભિન્ન પોતાને અનુભવનારા જીવો જ મુક્તિ પામે છે, ને
રાગ સાથે એકતા અનુભવનારા જીવો જ બંધાય છે. માટે મુમુક્ષુએ ભેદજ્ઞાનના નિરંતર
પ્રયોગવડે પોતાના આત્માને સમસ્ત પરભાવોથી ભિન્ન અનુભવમાં લેવાયોગ્ય છે.
અહા, જેમણે આવું ભેદજ્ઞાન કર્યું તેમનો અવતાર ઊજળો છે...
તેમનો આત્મા ઊજળો છે. ।।
जय हो भेदज्ञाननो...... जय हो उज्वल आत्मानो
વિવિધ સમાચાર
* સોનગઢમાં, તેમજ અન્યત્ર દશલક્ષણધર્મ આનંદોલ્લાસપૂર્વક ઉજવાયા હતા.
વિદ્વાનો દ્વારા અધ્યાત્મપ્રવચનો સાંભળીને ગામેગામથી મુમુક્ષુઓએ પ્રસન્નતા વ્યક્ત કરી છે,
ને આભારપત્ર આવેલ છે. સૌરાષ્ટ્ર–ગુજરાત ઉપરાંત મુંબઈ, મલાડ, ઘાટકોપર, મદ્રાસ,
કલકત્તા બેંગલોર, હૈદરાબાદ, લલિતપુર, મહરોની, ટીકમગઢ, બીના, વિદિશા, ભોપાલ, લશ્કર–
ગ્વાલિયર, જયપુર, ખનિયાધાના, મલકાપુર, સહારનપુર, ખંડવા;લોહારદા, રાઘૌગઢ, કોટા,
અરોન–ગુના, ઈટાવા, મહીદપુર, બીના–બજરીયા, દેવલગાંવ–રાજા (મહારાષ્ટ્ર) વગેરે કેટલાય
સ્થળે સોનગઢ–સંસ્થા દ્વારા વાંચનકારનો બંદોબસ્ત થયો હતો, ને દરેક સ્થળે હજારો
જિજ્ઞાસુઓએ પ્રવચન સાંભળીને, પૂ. ગુરુદેવ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જૈનસમાજમાં વીતરાગી તત્ત્વજ્ઞાનનો પ્રચાર દિવસે–દિવસે વૃદ્ધિગત થઈ રહ્યો છે; હજારો જીવો
જાગૃત બનીને આત્મહિત માટે જૈનધર્મના સાચા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત રખિયાલ, જલગાંવ વગેરે ગામોમાં જૈન–શિક્ષણશિબિરનું પણ
આયોજન થયું હતું, તેમાં મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો.
* સમ્યગ્દર્શન પુસ્તક ચોથું જે વૈશાખ સુદ બીજે પોરબંદરમાં પ્રકાશિત થયું હતું,
તેની થોડીક પ્રતો વેચાણવિભાગમાં પણ રૂ. ૧–૫૦ ની ઓછી કિંમતે મળી શકે છે.
પોસ્ટથી મંગાવનારે બે રૂપિયા મોકલવા. સમ્યગ્દર્શન સંબંધી દરેક આત્માર્થીને ગમે
એવા સુંદર લેખોનું આમાં સંકલન છે. આત્માર્થની પુષ્ટિ કરીને સમ્યગ્દર્શનની અદ્ભુત
પ્રેરણા આપે છે. દરેક જિજ્ઞાસુએ ખાસ વાંચવા લાયક છે.