ધર્મબુદ્ધિથી એવા કોઈ દેવને તે માનતા નથી. હું ધર્મ કરું તેથી સ્વર્ગનો કોઈ દેવ પ્રસન્ન
થઈને મને લાભ કરી દેશે–એવી બુદ્ધિ ધર્મીને હોતી નથી, સર્વજ્ઞ–વીતરાગ અરિહંતદેવ
સિવાય બીજા કુદેવો પાસે તે કદી માથું ઝૂકાવતા નથી. હું વીતરાગતાનો સાધક, તો
વીતરાગ સિવાય બીજાને દેવ માનું નહીં. ચૈતન્યના વીતરાગ સ્વભાવ સિવાય પુણ્યની
પણ જ્યાં વાંછા નથી (ધર્મી ન ઈચ્છે પુણ્યને) ત્યાં બહારના પાપ–ભોગોની શી વાત?
જુઓ તો ખરા, આ તો બધું સમ્યગ્દર્શન સાથેના વ્યવહારમાં આવી જાય છે.
સમ્યગ્દર્શનની નિશ્ચયઅનુભૂતિની તો શી વાત!
સર્વજ્ઞતા ને વીતરાગતા તે જ મારા ભગવાનનો ખરો ચમત્કાર છે; એ સિવાય બહારના
બીજા કોઈ ચમત્કાર માટે તે ભગવાનને માને નહિ. બહારના સંયોગનું આવવું–જવું તો
પુણ્ય–પાપ અનુસાર બન્યા કરે છે, ધર્મની સાથે એને શું સંબંધ છે? ધર્મી જીવ એવી
બહારની આકાંક્ષા કરતા નથી. જ્યાં રાગથી ભિન્ન આત્માના આનંદને પોતામાં દેખ્યો
ત્યાં ભવસુખની વાંછા ક્યાંથી રહે? ભવ કહેતાં સંસારની ચારેગતિ આવી ગઈ, સ્વર્ગ
પણ તેમાં આવી ગયું, એટલે દેવગતિના સુખનેય ધર્મી વાંછે નહીં. આવું સમ્યગ્દ્રષ્ટિનું
નિઃકાંક્ષા અંગ છે. (આ નિઃકાંક્ષા અંગના પાલનમાં સતી અનંતમતીનું ઉદાહરણ પ્રસિદ્ધ
છે; તે ‘સમ્યક્ત્વકથા’ વગેરેમાંથી જાણી લેવું.) આ રીતે સમ્યગ્દ્રષ્ટિના આઠ ગુણમાંથી
બીજો ગુણ કહ્યો.