તું સમ્યગ્દર્શનનો ઉદ્યમ કર. ચૈતન્યમય તારા સ્વતત્ત્વને પરથી ભિન્ન દેખીને પ્રસન્નતા
વડે અનુભવમાં લે, ને મોક્ષમાર્ગમાં આવી જા. લાખ–કરોડ રૂપિયા દેતાંય જેની એક ક્ષણ
મળવી મુશ્કેલ છે એવું આ મનુષ્યજીવન વૃથા ન ગુમાવ, મનુષ્યપણાની શોભા
સમ્યગ્દર્શનથી છે માટે આ જન્મમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી લે, જેથી આત્મામાં મોક્ષમાર્ગ
શરૂ થઈ જાય. અમૂલ્ય જીવનમાં તેનાથી પણ અમૂલ્ય એવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કર. કરોડો
રૂપિયા કે કુટુંબ તે કોઈ શરણ નથી, પુણ્ય પણ શરણ નથી, સમ્યગ્દર્શન જ શરણ છે; તે
સમ્યગ્દર્શન વડે જ જીવનની સફળતા ને જીવની શોભા છે. આવો સારો યોગ પુનઃપુન:
નથી મળતો, માટે તેમાં સમ્યગ્દર્શન જરૂર પ્રગટ કરો.
જેટલો ઉઘાડ તને થયો છે, તો તે ઉઘાડને પરમાં (સંસારના કાર્યોમાં) વ્યર્થ ન ગુમાવ,
તેને આત્મામાં લગાવ. ઉપયોગને અંતર્મુખ કરીને વીતરાગવિજ્ઞાન પ્રગટ કર. તારી
બુદ્ધિને આત્મામાં જોડીને સમ્યગ્દર્શન પ્રગટ કર. તું પોતે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છો. બીજું તને
શું કહીએ? ચેત! ચેત! ચેત!
આત્માના ભાવને જે રીતે પ્રોત્સાહન મળે તેવા જ વિચારો કરવા. સાચા
ભાવ થતાં તેનું સાચું ફળ જરૂર આવશે અને બહારમાં પણ બધું
વાતાવરણ સારું થઈ જશે. આત્માને મુંઝવણમાં ન રાખવો પણ
ઉત્સાહમાં રાખવો. પોતાના ભાવ સુધારતાં બધું સુધરી જાય છે. માટે
આત્માને ઉલ્લાસમાં લાવીને પોતાના હિતના જ વિચાર રાખવા; તેમાં
ઢીલા ન થવું.