Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 49

background image
: ૧૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
છે તેનું ચિંતન કરો. અહીં સંન્યાસ–સમાધિમરણના અવસરમાં ઊપજેલી વેદનાનું
તો શું દુઃખ છે? અત્યારે તો સમભાવ વડે સહન કરીને સર્વ દુઃખનો અભાવ કરવાનો
અવસર છે, માટે કાયરતા છોડો, ને પરમ ધૈર્યપૂર્વક પરિષહોને જીતીને સકલ કલ્યાણને
પ્રાપ્ત કરો. આ કર્મનો વિજય કરવાનો અવસર છે, અત્યારે ગાફિલ રહેવું યોગ્ય નથી. હે
મુનિરાજ! પૂર્વે ચારગતિના પરિભ્રમણમાં જે અનંતદુઃખો જીવે ભોગવ્યાં તેના અનંતમાં
ભાગનુંય દુઃખ અત્યારે તમને નથી, તો પછી કાયર થઈ તે તમે ધર્મને મલિન કેમ કરો
છો? પૂર્વે અસંખ્યાતકાળ સુધી નિરંતર દુઃખો સહન કર્યાં તો હવે આ સમાધિમરણ ટાણે
અત્યંત અલ્પકાળનું રોગાદિ જનિત દુઃખ કેમ સહન નથી કરતા? ધૈર્યપૂર્વક વેદના સહન
કરીને આત્માનું કલ્યાણ કરો. પૂર્વે તો પરવશપણે ચારે ગતિની વેદના સહન કરી તો આ
અવસરમાં સમભાવથી વેદના સહન કરવાનો ધર્મ જાણીને આત્મવશપણે તેને સહન
કરવા કેમ સમર્થ ન થઈએ?
હે મુનિ! સર્વે સમુદ્રોનું જળ પણ જેને ઉપશાંત ન કરી શકે એવી તીવ્ર તૃષા
સંસારમાં તમે અનંતવાર વેદી. તો અત્યારે નિર્વિકલ્પ શાંતચૈતન્યરસ પીવાના ટાણે
તે જળને કેમ યાદ કરો છો? આત્માને સ્વાનુભૂતિના આનંદરસમાં તરબોળ કરીને
તૃપ્ત કરો.
વળી, સમસ્ત પુદ્ગલકાયવડે જે ક્ષુધા ન મટે એવી તીવ્ર ક્ષુધાવેદના તમે
સંસારમાં અનંતવાર વેદી, તો આ સમાધિના અવસરે તે પૌદ્ગલિક ખોરાકને કેમ યાદ
કરો છો? તમે તો આનંદભોજી છો... અતીન્દ્રિય આનંદના ભોજનીયા વડે આત્માને તૃપ્ત
કરો. એ રીતે ઘોર તૃષા–ક્ષુધાને સ્વવશપણે સહન કરો... જેથી ફરીને સંસારની એવી
વેદના કદી પ્રાપ્ત નહિ થાય.
––આ પ્રકારે ધર્મકથાના શ્રવણરૂપ અમૃતપાન વડે, ગુરુના ઉપદેશરૂપ ભોજનવડે
તથા ધ્યાનરૂપ ઔષધિવડે જીવ તીવ્રવેદનાને પણ સહન કરવા સમર્થ થાય છે.
હે મુનિ! અસાતાકર્મનો પ્રબળ ઉદય આવતાં તમે ભયસહિત હો કે ભયરહિત
હો, ઈલાજ કરો કે ન કરો, પણ વેદનાથી છૂટી નહીં શકો. પાપકર્મના ઉદય વખતે અત્યંત
શક્તિશાળી ઔષધિ પણ વેદનાનો ઉપશમ કરી શકતી નથી. માટે તેના વેદનમાં એવો
સમભાવ રાખો કે જેથી નવું કર્મ ન બંધાય, ને પૂર્વનું કર્મ નિર્જરી જાય.
મોક્ષાભિલાષી સંયમીજનોને મરણ થાય તો ભલે થાય, પણ વેદનાના ઉપશમન
માટે અયોગ્ય દ્રવ્યનું સેવન કરવું ઈષ્ટ નથી. મરણથી તો એક જન્મનો જ નાશ થાય છે,
ત્યારે અસંયમથી તો અનેકભવ બગડે છે. તેથી એક જન્મના થોડાક દિવસના