: ૧૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
થાકેલા જીવને માટે ભગવાનના સમવસરણમાં અને સંતોની છાયામાં
ચૈતન્યના વીતરાગી પરમઆનંદરસનાં પરબ મંડાયા છે, ત્યાં પરમઆનંદના
તરસ્યા જીવો જિજ્ઞાસાથી આવીને શુદ્ધાત્માના અનુભવરૂપ અમૃતપાન કરે છે
ને પરમ તૃપ્ત થાય છે...તેનો આત્મા ઠરે છે. અરે, ક્યાં નવમી ગ્રૈવેયકથી માંડીને
નરક–નિગોદનાં દુઃખોનો દાવાનળ! ને ક્યાં આ ચૈતન્યના અનુભવરૂપ સુખના
વેદનની શાંતિ!
અરે, ચૈતન્યના પરમ આનંદના અનુભવ વગર જેને બધુંય દુઃખરૂપ
લાગે છે, અને ત્યાંથી ભયભીત થઈને જે ચૈતન્યસુખને ઝંખે છે, એવો જીવ
શુદ્ધાત્માના અનુભવ તરફ જાય છે. જેમ લોકો મોટા નાગથી ભયભીત થઈને
ભાગે છે તેમ ધર્માત્માઓ સંસારની ચારેગતિના ભવથી ભયભીત થઈને
ત્યાંથી ભાગ્યા ને ભવ વગરના ચૈતન્યનું શરણ લીધું. જગતમાં નિર્ભયસ્થાન
આ એક ચૈતન્ય જ છે; તે જ ચારગતિનાં દુઃખોથી બચાવનાર છે.
ચારગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ–ચિંતન કરી શિવસુખનો લે લ્હાવ.
સાચું સુખ
જીવ સુખ ચાહે છે...પણ તે રાગમાં ને સંયોગમાં સુખને શોધે છે.
ભાઈ, સુખ તો રાગમાં હોય?–કે વીતરાગમાં?
વીતરાગતા તે જ સુખ છે, તેને જીવે કદી જાણ્યું નથી.
જેણે રાગમાં અને પુણ્યમાં સુખ માન્યું તેને મોક્ષની શ્રદ્ધા નથી.
મોક્ષ તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, રાગમય નથી.
અરિહંત અને સિદ્ધભગવંતોના સુખને ધર્મી જીવો જ જાણે છે.
સ્વ–પરના ભેદજ્ઞાનપૂર્વક વીતરાગ–વિજ્ઞાનવડે જ તે સુખ અનુભવાય છે.